સાસણગીર/જુનાગઢ: ભાઈ ગરમી કોને ન થાય ? વૈશાખ મહિનાનો અકળાવનારો ઉકળાટ સામાન્ય જન માનસથી લઈને રાજા સુધીના વ્યક્તિઓને પરસેવે રેબજેબ કરી દે છે. સામાન્ય લોકો હોય કે રાજા પોતાની જાતને ઠંડી રાખવા માટે વાતાનુકુલિતનો ઉપયોગ કરીને ઠંડક મેળવી રહ્યા છે.
રાજા શહેરનો હોય કે જંગલનો ગરમી બધાને એક સરખી થાય ત્યારે સિંહ પરિવારના આઠથી દસ બચ્ચા પાઠડા અને ત્રણ ચાર પુખ્ત સિંહણો ગરમી થી મુક્તિ મેળવવા માટે પીવાના પાણીના કુંડમાં સ્વિમિંગ પુલની માફક પાણીની છોડો ઉડાડતા મોબાઈલ કેમેરામાં કેદ થયા છે.
સિંહ પરિવારે પાણીમાં કરી ધીંગામસ્તી
સોશિયલ મીડિયામાં જંગલની દુનિયાનો સૌથી અદભુત કહી શકાય તે પ્રકારનો એક વીડિયો વાયરલ થયો છે. જંગલમાં વન્ય પ્રાણીઓ માટે બનાવવામાં આવેલા પાણીના કુંડામાં બે પાઠડા સિંહ અને એક પુખ્ત સિંહણ ગરમીથી પોતાની જાતને મુક્ત રાખવા માટે પાણીની છોડો ઉડાવતા જોવા મળી રહ્યા છે. બાજુમાં જ કેટલીક પુખ્ત સિંહણો જાણે કે આ સ્વિમિંગ પૂલનું રક્ષણ કરીને બેઠી હોય તે પ્રકારે વીડિયોમાં જોવા મળે છે, જ્યારે કેટલાક નાના બચ્ચા તેના પરિવારના સિંહો જે રીતે પાણીમાં મસ્તી કરી રહ્યા છે તે જોઈને ગરમીથી કેવી રીતે છૂટકારો મેળવી શકાય તેનું જ્ઞાન બહાર બેઠા બેઠા મેળવી રહ્યા હોય તેવા દ્રશ્યો આ વીડિયોમાં જોવા મળી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વીડિયો ગીર જંગલના ચોક્કસ કયા વિસ્તારનો છે તે કહેવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ આકરી ગરમીના દિવસોમાં આ પ્રકારનો વીડિયો કે જેમાં આખો સિંહ પરિવાર કે જેમાં બચ્ચા પાઠડા અને પુખ્ત સિંહણો ગરમીથી કેવી રીતે રાહત મળી શકે તેની શીખ પણ પાઠડા અને બચ્ચાઓને આપતી જોવા મળી રહી છે.