અમદાવાદ: શહેરની શાન સમાન સાબરમતી નદીની સફાઈ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જે 5 જૂન પર્યાવરણ દિવસ નિમિત્તે પૂર્ણ થયાની જાહેરાત કરવામાં આવી. સાબરમતી નદીના શુદ્ધિકરણનું અભિયાન પૂર્ણ થયું છે. હવે નદીમાં ફરી નીર ભરવામાં આવશે, જેથી કરી નદીની રોનકમાં વધારો થશે.
સાબરમતી નદી શુદ્ધિકરણ અભિયાન પૂર્ણ: અમદાવાદના વાસણા બેરેજના દરવાજા રીપેરીંગ કરવાના હોવાથી સાબરમતી નદી ખાલી કરવામાં આવી હતી. સાથે જ નદીમાં ફેલાયેલા કચરાને પણ દૂર કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. નદીમાં પડેલી પ્લાસ્ટિક અને પૂજા સહિતની વિવિધ વસ્તુઓ સાફ કરવામાં આવી.
નર્મદાના નીર ભરવામાં આવશે: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને NGO, શૈક્ષણિક સંકુલો સહિતના એકમોની મદદથી સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. જે સફાઈ અભિયાન 15 મે થી 4 જૂન સુધી ચાલ્યું હતું. પર્યાવરણ દિવસ નિમિત્તે આ સફાઈ અભિયાનની કામગીરી પૂર્ણ કરવામાં આવી. હવે નદીમાં નર્મદાના નીર ભરવામાં આવશે.

901 ટન કચરાનો નિકાલ કર્યો: આ અંગે અમદાવાદ મનપાની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, સાબરમતી નદીના સફાઈ અભિયાનમાં 90,753 નાગરિકોએ ભાગ લીધો હતો. નાગરિકોએ 901 ટન કચરાનો નિકાલ કર્યો છે. અભિયાનમાં 314 જેટલા વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, હવે સાબરમતી નદીને ફરીથી પાણીથી ભરી દેવામાં આવશે.

ભગવાન જગન્નાથની જળયાત્રા: દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, આગામી 11 જૂનના રોજ ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળવાની છે. એના પહેલા સાબરમતી નદીમાં ફરીથી નર્મદાના નીર ભરવામાં આવશે અને શુદ્ધ પાણીને જળયાત્રા દરમિયાન કળશમાં ભરીને લાવવામાં આવશે.

90,000 લોકોએ શ્રમદાન કર્યું: દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, સાબરમતી સફાઈ અભિયાનમાં વિવિધ NGO, સ્કૂલ બોર્ડના કર્મચારીઓ, કોર્પોરેશનના કર્મચારીઓ, કોર્પોરેટરો, ધારાસભ્યો, કમિશનર અને રાજ્યપાલ સહીતના તમામ લોકો જોડાયા હતા. આ અભિયાનમાં 90,000 કરતા વધારે લોકોએ પોતાનું શ્રમદાન આપ્યું હતું.
આ પણ વાંચો: