દાહોદ: દાહોદ શહેરમાં આજે મેઘરાજાની ધમાકેદાર બેટીંગમાં શહેરના સ્ટેશન રોડ સહિત અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. દુકાનો પણ પાણીમાં ડૂબી જતાં વેપારીઓને લાખો રૂપિયાનું નુકશાન થયું હતું.
દાહોદમાં 6 ઈંચથી વધુ વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે દાહોદ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ હતી. 5 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ ખબક્યો હતો. મેઘરજાએ ધમાકેદાર બેટિંગ કરી દાહોદ શહેરને ઘમરોળ્યું હતું. દાહોદ શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. શહેરના હાર્દ સમા સ્ટેશન રોડ ઉપર બિરસા મુંડા સર્કલથી બસ સ્ટેશન સુધી ઘૂંટણ સમા પાણી જોવા મળ્યા હતા. તો દર્પણ રોડ ઉપર પણ ઘૂંટણ સમા પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
બેઝમેન્ટમાં આવેલી દુકાનોમાં પાણી ભરાયા
અનેક વાહનો બંધ પડી જતાં લોકોને ધક્કો મારવો પડ્યો હતો. તો બીજી તરફ સ્ટેશન રોડ ઉપર આવેલા એક શોપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં આવે આઠ થી દસ દુકાનો પાણીમાં ડૂબી જતાં દુકાનોમાં રહેલો માલ સામાન સંપૂર્ણ પાણીમાં ડૂબી ગયો હતો. મોબાઈલની દુકાન, રમકડાં, પ્લાસ્ટિકની આવી અલગ અલગ દુકાનોમાં રહેલો સમાન પાણીમાં ડૂબી જતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકશાન પહોચ્યું હતું.
ગટર લાઇનના કામો યોગ્ય રીતે ન થયાનો આક્ષેપ
વેપારીઓએ આજે તંત્ર ઉપર રોષ ઠાલવ્યો હતો. વેપારીઓનું કહેવું છે કે, સ્માર્ટ સિટી અંતર્ગત થયેલા કામોમાં રસ્તા કે ગટર લાઇનના કામ યોગ્ય રીતે કરવામાં નથી આવ્યું. જેના કારણે આજે સ્થિતિ સર્જાઈ હતી અને આ તો ચોમાસાની શરૂઆત છે. જો આવનારા દિવસો વધુ વરસાદ આવે તો આનાથી પણ ખરાબ પરિસ્થિતી સર્જાય તેવો ભય સ્થાનિકોને લાગી રહ્યો છે. જેથી તાત્કાલિક પાણીના નિકાલ માટે તંત્ર દ્રારા કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠવા પામી છે.
લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાયું
શહેરમાં નવજીવન મિલ રોડ ઉપર આવેલી જળવિહાર સોસાયટીમાં કમર સુધી પાણી ભરાઈ જતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. સોસાયટીમાં દરેક મકાનોમાં પાણી ભરાઈ જતાં ફર્નિચર સહિત ઘરવખરીને નુકશાન પહોચ્યું હતું. એક તરફ વરસાદ અને લોકોના ઘરો માં પાણી ભરાઈ જતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. રહિશોનું કહેવું છે કે, પહેલા ક્યારેય આવી સમસ્યા નહોતી સર્જાઈ. પરંતુ સ્માર્ટ સિટી અંતર્ગત થયેલી કામગીરીમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કે કામગીરી નથી થઈ જેના કારણે પાણી લોકોના ઘર સુધી પહોચ્યું હતું. ત્યારે નગરપાલિકાની ટીમ પણ વિવિધ વિસ્તારોમાં પાણીના નિકાલની કામગીરી કરવા માટે જેસીબી લઈને પહોંચી હતી.
ચીફ ઓફિસરનું કહેવું છે કે, સ્ટ્રોમ વોટર લાઇનમાં જે તેની કેપેસિટી છે તેના કરતાં વધુ પ્રમાણમાં પાણી આવવાથી પાણી રોકાયું હતું. અતિભારે વરસાદના કારણે આ પરિસ્થિતી સર્જાઈ હતી. જેના ઉકેલ માટે પાલિકાની વિવિધ ટીમો કામે લાગી ગઈ હતી. સ્થાનિકોનું માનવું છે કે, સ્માર્ટ સિટી અંતર્ગત બનેલી સ્ટ્રોમ લાઇનનું કામ યોગ્ય રીતે નથી થયું. તેમજ રસ્તાઓ કોઈ પણ જાતના લેવલ વગર ઊંચા બનાવી દેવાતા પાણીનો નિકાલ નથી થતો અને પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ રહી છે. આ શરૂઆતનો સમય છે જ્યારે આવનારા દિવસોમાં દાહોદ માટે કપરી પરિસ્થિતી સર્જાઈ તેવી શક્યતાઓ રહેલી છે. જેથી તંત્ર દ્વારા નક્કર કામગીરી કરી પાણીના નિકાલ માટે કાયમી ઉકેલ લાવવો જરૂરી છે.
આ પણ વાંચો: