ચિરાગ ત્રિવેદી.ભાવનગરઃ ભાવનગર શહેરના છેવાડે આવેલા નારી ગામે મરચા ભંડારવાળાઓની બજાર ધીરે ધીરે ધીરે ગરમ થવા લાગી છે. ગૃહીણીઓને વર્ષના મસાલાઓ ભરવાનો સમય આવ્યો છે. ત્યારે મરચાના પ્રકાર તેનો સ્વાદ, તીખાશ અને હળદર સહિત દરેકના ભાવ વિશે પણ જાણો...
ઉનાળાનો પ્રારંભ થતાંની સાથે જ ગૃહણીઓ માટે આખા વર્ષના મસાલા ભરવાની શરૂઆત પણ થાય છે. ભાવનગર શહેરમાં નારી ગામ ખાતે ઘણા વર્ષોથી મસાલા વાળાઓ વેચાણ કરી રહ્યા છે. ત્યારે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે મસાલાઓ સસ્તા રહેવા પામ્યા છે. જેમાં અનેક પ્રકારના મસાલા આવે છે. ખાસ કરીને વર્ષનું મરચું લોકો પોતાના ઘરના સ્વાદ પ્રમાણે ભરતા હોય છે. ત્યારે મરચા કેટલા પ્રકારના અને તેનો સ્વાદ તેમજ હળદર ધાણાજીરૂ વગેરેને લઈને તેના સ્વાદ અને ભાવ વિશે જાણીએ.

નારી ગામે મશાલાઓનો થયો પ્રારંભ
આકરા ઉનાળામાં તડકા પડવાની સાથે જ ગૃહિણીઓ માટે વર્ષના મસાલાનો પ્રારંભ થઈ ગયો છે. નારી ગામે લાઈનમાં મસાલાવાળોને ત્યાં ખરીદી કરવા લોકો પહોંચી રહ્યા છે. ત્યારે મસાલા વેચતા હીરાબેન કુકડીયાએ જણાવ્યું હતું કે ઘણા પ્રકારના મસાલા આવે છે. તેમાં અલગ અલગ મરચા પણ આવે છે અને તેના પ્રકાર પણ અલગ અલગ હોય છે. જેમ કે ભોલર પટ્ટો, રેશમ પટ્ટો, ડબલ રેશમ પટ્ટો, કાશ્મીરી, ડબી કાશ્મીરી, પાંદડી કાશ્મીરી અને મારવાડી પટ્ટો જેવા મરચાના પ્રકારો આવે છે.

સ્વાદમાં મરચાનો સ્વાદ અને તીખાશ
મરચા અલગ અલગ પ્રકારના આવતા હોય છે કારણ કે, દરેક લોકોના ઘરમાં કોઈ ઓછું તીખું, કોઈ થોડું વધુ તીખું, તો કોઈ અત્યંત તીખું આરોગતા હોય છે. ત્યારે મસાલા વેચતા હીરાબેન કુકડીયાએ જણાવ્યું હતું કે, ડબલ રેશમ પટ્ટો મરચું એમાં કલર પણ આવે છે અને તે મધ્યમ તીખું હોય છે. આ સાથે મારવાડી પટ્ટો તેનાથી થોડુંક વધારે તીખું હોય છે. જ્યારે સૌથી ઓછું તીખું પાંદડી કાશ્મીરી આવે છે જેનો સ્વાદ પણ હોય છે. ત્યારબાદ ડબી કાશ્મીરી મરચું આવે છે જેમાં માત્ર લાલ કલર આવે છે પરંતુ તીખું સહેજ પણ હોતું નથી. જો કે અમારે ત્યાં મધ્યમ તીખું અને કલર માટે લોકો કાશ્મીરીની ખરીદી કરતા હોય છે.

ખરીદનાર ગત વર્ષ કરતા ખુશ ભાવને કારણે
ગત વર્ષે મરચાના ઉત્પાદન ઓછું થયું હોવાને કારણે ભાવ ઊંચા ગયા હતા. જેથી ગૃહિણીઓમાં પણ કકળાટ જોવા મળતો હતો. પરંતુ આ વર્ષે મસાલાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે મરચું ખરીદવા આવેલા જે બી ગોહિલે જણાવ્યું હતું કે, હાલમાં ગૃહિણીઓને મસાલાની ખરીદીની સિઝન ફુલ બહારમાં ચાલી રહી છે. હું પણ મારા ઘરના મસાલા લેવા માટે આવ્યો છું. નારી ગામે હાઇવે ઉપર લાઈનમાં મસાલાવાળાઓ છે. જો કે ગયા વર્ષે ઓછા ઉત્પાદનને કારણે ભાવ વધારે હતા પરંતુ આ વર્ષે ઉત્પાદન સારું હોવાથી ભાવ નીચા છે જેનાથી રાહત જરૂર થઈ છે.

મસાલાઓની ઓળખ નકલી કે અસલીની
ભાવનગર મહાનગરપાલિકાના ફૂડ ઇસ્પેક્ટર દેવનગભાઈ સાથે ટેલીફોનિક વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, ખાસ કરીને મરચાની ઘરેલુ તપાસ પાણીમાં નાખવાથી તરનો કલર ઉપર આવતો હોય છે. તેમ અન્ય ચિઝોમાં પણ આ પ્રકારે અલગ અલગ પદ્ધતિઓ ઘરેલુ છે. આરોગ્ય વિભાગ દ્વારા ઘરેલુ તપાસ માટેની એક પુસ્તક બહાર પાડી છે. જેનું હાલમાં વિતરણ થઈ ગયું છે.