અમદાવાદ: અમદાવાદ શહેરમાં નીકળતી ભગવાન જગન્નાથજીની 148મી ભવ્ય રથયાત્રાને હવે ગણતરી આજના દિવસ બાકી રહ્યાં છે,અને તેના માટે તૈયારી જોર શોર શરૂ થઈ ગઈ છે. રથયાત્રા પહેલા ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીની 11 જૂનના રોજ જળયાત્રા યોજાશે.
11મી જૂને જળયાત્રા
જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા 27જૂને નીકળવાની છે. રથયાત્રા પૂર્વે અનેક ઉત્સવો રથયાત્રા સંબંધિત ઉજવાય છે. 11મી જૂને જળયાત્રા આવે છે. જગન્નાથ મંદિરથી જળયાત્રા માટે શોભાયાત્રા નીકળે છે, અને સાબરમતી નદીના કાંઠે ગંગા પૂજન કરવામાં આવે છે, અને ત્યાંથી 108 કળશમાં જળ ભરીને લાવવામાં આવે છે.
સાબરમતી નદીના જળથી ભગવાનને અભિષેક કરવામાં આવે છે. રથયાત્રા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે, રથનું રિપેરિંગ કામ, પ્રસાદ વહેંચવાની તૈયારી, મંદિરના કેમ્પસમાં રંગ રોગાન, તેમજ ભંડારાનું આયોજન કરવા માટેની કામગીરી ચાલી રહી છે.

રથયાત્રાની તડામાર તૈયારીઓ
રથયાત્રા માટે પોલીસ કમિશનર ઓફિસમા સંપર્ક કરવામાં આવ્યો છે અને આવનારા દિવસોમાં પોલીસ પરવાનગી આપશે અને સાથે કોર્પોરેશન તો ખાસ સમયથી તૈયારીઓ કરી રહી છે, જેમ કે રોડ રીસર્ફેસિંગ, રોડ ડેવલપમેન્ટ, લાઇટિંગ, ઝાડ લગાવવાનું કામ ચાલી રહ્યું છે.

સંતો-મહંતો અને રાજકીય, સમાજીક આગેવાનો જોડાશે
જળયાત્રા અંગે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે વધુમાં જણાવ્યું હતું કે, 11 જૂનના દિવસે જળયાત્રા યોજાશે. જેમાં પારંપરિક રીતે સાબરમતી નદીમાંથી જળ અને અન્ય પવિત્ર નદીઓના જળથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે. મીની રથયાત્રા તરીકે જાણીતા પ્રસંગમાં ગૃહરાજ્યમંત્રીથી લઈને મેયર તેમજ તમામ નેતાઓ હાજર રહેશે.

ભગવાન જગન્નાથ ભાઈ-બહેન સાથે મામાના ઘરે પ્રયાણ કરશે
સાબરમતી નદીના કિનારે ગંગા પૂજન વિધિ થશે. મંદિરથી સાબરમતી નદીના કિનારા સુધીની યાત્રા દરમિયાન હાથી, બેન્ડબાજા, ધજા, પતાકા, ભજન મંડળી અને નાના અખાડા જોડાશે. 108 કળશમાં જળ ભરીને મંદિર લાવી ભગવાનનો ભવ્ય જળાભિષેક કરવામાં આવશે. જળાભિષેક બાદ ભગવાન ગજવેશ ધારણ કરશે અને જળયાત્રા બાદ ત્રણેય ભાઈ બહેન સરસપુર ખાતે મામાના ઘરે પ્રયાણ કરશે.