પાટણ: રાધનપુર ખાતે રામનવમીની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રામાં જોડાયેલા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ડોક્ટર દેવજીભાઈ પટેલ અને વિશ્વ હિન્દુ પરિષદના અને બજરંગ દળના કાર્યકર્તાઓ સહિત નગરપાલિકાના પ્રમુખનું રાધનપુર મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રામ નવમીની આ ભવ્ય શોભાયાત્રા આશાપુરા માતાના મંદિર થી લઈને રામદેવપીરના મંદિર અને ભરવાડ વાસ સુધી યોજાઈ હતી.
રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી, ડો દેવજીભાઈ પટેલ, રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુ ઠક્કર અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં રાધનપુર ખાતે ભવ્ય રામનવમીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રાનું ઠેર ઠેર લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાસ કરીને મુસ્લિમ સમાજ દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રાધનપુર ખાતે કોમી એકતા ના દર્શન જોવા મળ્યા હતા.
રાધનપુર પોલીસ દ્વારા પણ સુચારૂ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તો નગરપાલિકા દ્વારા રથયાત્રાના રૂટની અંદર કોઈપણ જાતની તકલીફ ન પડે તેનું ધ્યાનમાં રાખી નગરપાલિકાના સ્ટાફ ખડે પગે રહ્યો હતો. જ્યારે અન્ય સેવાભાવી લોકો દ્વારા રસ્તા ઉપર અલગ-અલગ સ્ટોલો દ્વારા પીવાના પાણીના સ્ટોર તેમજ છાસ, લસ્સી, કેન્ડી અને શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી.
રાધનપુરના આશાપુરા મંદિરથી નીકળેલી રામનવમીની આ શોભાયાત્રા ભરવાડ વાસ ખાતે આવેલા રામાપીર મંદિરે પૂર્ણ થઈ હતી, ત્યારે આગેવાનો દ્વારા ભગવાન શ્રીરામની આરતી કરી અને શોભાયાત્રા સંપન્ન કરવામાં આવી હતી.