રાજકોટ: જિલ્લાનાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠિયાનાં એક પછી એક કૌભાંડ સામે આવી રહ્યાં છે. જેમાં ઇમ્પેકટ ફીનાં નામે સ્કૂલો અને કોલેજોને ડોમ બાંધવાની મંજુરી આપવામાં આવી હતી. હવે મહાનગરપાલિકા તંત્ર દ્વારા આવા તમામ જોખમી બાંધકામો માટે ભરાયેલી ઇમ્પેક્ટ ફી પરત કરી બાંધકામો હટાવવાનું કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે.
સ્કૂલોમાં ગેરકાયદેસર પ્લાસ્ટિક ડોમ: મળતી વિગત મુજબ સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, "રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા આ અંગે વહીવટી તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ઘણી સ્કૂલોમાં ગેરકાયદેસર પ્લાસ્ટિક ડોમ છે. જે સ્કૂલ-કોલેજોમાં અભ્યાસ કરતા છાત્રો માટે જોખમી પુરવાર થઈ શકે છે. રજૂઆત બાદ વહીવટી તંત્ર, શિક્ષણ વિભાગ અને મનપા દ્વારા આવા ડોમ હટાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી."
ઇમ્પેક્ટ ફી રદ કરી ડોમ તાત્કાલિક દૂર કરવા: તેમણે વધુમાં જણાવતા કહયું હતું કે, "મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ સાગઠિયા હાલ જેલમાં છે. તેણે અગાઉ ઇમ્પેક્ટ ફી હેઠળ આવાં અનેક જોખમી બાંધકામ કાયદેસર કરી આપ્યાં હતાં. ખરેખર ઇમ્પેક્ટ ફી રેગ્યુલર બાંધકામમાં થતા ફેરફાર માટે હોય છે, પરંતુ સાગઠિયા દ્વારા રૂપિયા કમાવા માટે અનેક સ્કૂલ-કોલેજોના ડોમ ઇમ્પેક્ટ ફીના કાયદા હેઠળ કાયદેસર કરવામાં આવ્યા હતા. આ કારણે ગેરકાયદેસર અનેક સ્કૂલોએ પ્લાસ્ટિકના ડોમ બનાવવા ઇમ્પેક્ટ ફી વિધ્યાર્થીઓ પાસેથી વસૂલ કરી હતી. હાલમાં પણ આવી સ્કૂલ-કોલેજોમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે આવા ડોમની ઇમ્પેક્ટ ફી રદ કરી આવા બાંધકામ તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી અમારી સ્પષ્ટ માંગ છે."
ડોમ તોડી પાડવા કોર્પોરેશનની કાર્યવાહી: મહાનગરપાલિકામાં ટીઆરપી અગ્નિકાંડ બાદ નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરમાં ફાયર એનઓસી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં સ્કૂલ-કોલેજો, હોસ્પિટલો-રેસ્ટોરન્ટો સહિતનાં સ્થળોએ ચેકિંગ કરીને ફાયર એનઓસી, ફાયરનાં સાધનો ન હોય તેવી મિલકતોને સીલ કરવામાં આવી હતી. ફાયર એનઓસી ઝુંબેશમાં સાગઠિયાના કાળમાં સ્કૂલ-કોલેજ, સહિતના સ્થળે ઇમ્પેક્ટ ફી હેઠળ જોખમી બાંધકામોને કાયદેસર કરી દેવાયાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે આગામી આવા ડોમ તોડી પાડવા કોર્પોરેશન કાર્યવાહી કરશે.