રાજકોટ: રાજકોટ સહિત રાજ્યભરમાં હાલ સાયબર ક્રાઈમની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ પોલીસ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વચ્ચે સાયબર એજ્યુકેશનનો કોર્સ શરૂ કરવા માટે MoU કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે વધુ એક વેલ્યુ એડેડ કોર્સના કરાર કરવામાં આવ્યા છે. જેમાં ટ્રાફિક બાદ હવે યુનિવર્સિટી અને પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા અભ્યાસક્રમ અનુસાર સ્નાતક-અનુ અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ સાયબર એજ્યુકેશનનો કોર્સ કરી શકશે. જેના પર CP-VCએ સાઈન કરી મહોર લગાવી હતી.
નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પ્રકાશિત થયેલા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મુજબના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતેની નોન કાઉન્સિલ હેઠળની વિવિધ વિદ્યાશાખાઓ અંતર્ગતના વિદ્યાર્થીઓ માટે વેલ્યુ એડેડ કૉર્સ શરૂ કરવા માટેનો નિર્ણય કરવામા આવ્યો છે. સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો તેમજ નીટના સંદર્ભે અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં વેલ્યુ એડેડ કોર્સ દાખલ કરવા હેતુસર સાયબર એજ્યુકેશન વિષય એક હેઠળ પાર્ટ વન અને પાર્ટ ટુ એવા 2 અભ્યાસક્રમો માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. જેનાથી વિદ્યાર્થીઓના સાયબર ફ્રોડ સહિતના મુદ્દે જ્ઞાનમાં વધારો થશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ હોલમાં રાજકોટ શહેર પોલીસ હેઠળના સાઇબર પોલીસ સ્ટેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા અભ્યાસક્રમ માટે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કુલપતિ ડો. કમલસિંહ ડોડિયા અને રાજકોટ શહેર પોલીસના કમિશનર બ્રિજેશ કુમાર ઝા, ડી.સી.પી. ડો.પાર્થરાજસિંહ ગોહિલ, કુલસચિવ ડો. આર.જી. પરમાર ઉપરાંત ભવનના અધ્યક્ષો તથા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.