રાજકોટ : ફરી એકવાર રાજકોટ શહેરમાં શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષિકા મિતલબેને નર્સરીમાં અભ્યાસ કરનાર ચાર વર્ષીય વિદ્યાર્થિનીના ગુપ્તાંગના ભાગે ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવા પામી છે.
શિક્ષિકાએ કર્યું જઘન્ય કૃત્ય : બનાવની મળતી વિગત મુજબ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થિનીની માતાએ આપેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, ગત 11 તારીખના રોજ શાળાએથી ઘરે આવ્યા બાદ દીકરીએ ગુપ્તાંગના ભાગે દુખતું હોવાની ફરિયાદ કરી હતી. તારીખ 11-12 એપ્રિલ દરમિયાન નર્સરીમાં અભ્યાસ કરનારી મારી દીકરીને તેમના ક્લાસ ટીચર મિતલબેન દ્વારા ગુપ્તાંગના ભાગે આંગળી અથવા તો પેન દ્વારા મુંઢ ઇજા પહોંચાડી છે.
શિક્ષિકાએ વિરુદ્ધ પોલીસ ફરિયાદ : વિદ્યાર્થિનીને શરૂઆતમાં પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી. જ્યારે હાલ દીકરી રાજકોટ શહેરની જનાના હોસ્પિટલ ખાતે સારવારમાં છે. સમગ્ર મામલે વિદ્યાર્થિનીના 35 વર્ષીય માતાની ફરિયાદના આધારે પોક્સો તેમજ એટ્રોસિટી સહિતની કલમ હેઠળ મિતલબેન નામની શિક્ષિકા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
હવે પ્રદ્યુમનનગર પોલીસની તપાસમાં શું તથ્ય સામે આવે છે તે જાણવું મહત્વનું બની રહેશે. આ અંગે પ્રદ્યુમનનગર PI વી. આર. વસાવાએ જણાવ્યું હતું કે, આ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલ તપાસ કરવામાં આવી રહી છે.
શિક્ષિકાએ આરોપોને નકારી કાઢ્યા : ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થિનીના પિતા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવા પહોંચ્યા હતા. તે સમયે સ્કૂલના પ્રિન્સિપાલ તેમજ જેમના પર આક્ષેપ છે તે શિક્ષિકા પણ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી. તેમણે વિદ્યાર્થિનીના વાલી દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને નકારી કાઢ્યા હતા.