રાજકોટ: રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે સીટી બસના અકસ્માત મામલે ગાંધીગ્રામ પોલીસે બસના ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાની ધરપકડ કરી છે. ઇલેક્ટ્રિક સિટીબસના ચાલક શિશુપાલ રાણાને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા મળતા જ પોલીસે ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે.
ડ્રાઈવરે પોલીસને આપ્યા ગોળગોળ જવાબ
શિશુપાલસિંહ રાણા પોલીસ સમક્ષ ગોળગોળ જવાબો આપતા હોવાનું સામે આવ્યું છે. આરોપી શિશુપાલસિંહ રાણા એક જ રટણ કરી રહ્યો છે કે, સ્ટિયરિંગ લોક થઇ ગયું હતું અને બ્રેક ન લાગતા અકસ્માત સર્જાયો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બસ ડ્રાઈવરનું લાઇસન્સ ફેબ્રુઆરી મહિનામાં જ એક્સપાયર થયાનું પણ બહાર આવ્યું હતું. જેથી પોલીસ હવે એજન્સી સુપરવાઈઝર વિક્રમ ડાંગરની જવાબદારી શું? તે દિશામાં આગળ વધી રહી છે. જો લાઇસન્સ એક્સપાયર થયું હોય તો ડ્રાઈવિંગ કરવા કેમ દેવામાં આવ્યું? તે બાબતે પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે હવે ડ્રાઈવર ઉપરાંત એજન્સીની ભૂમિકા અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
બ્રેકના બદલે એક્સિલેટર પર પગ આવી જતાં અકસ્માત સર્જાયો
પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી બાદમાં પુછપરછ કરતા આરોપી શિશુપાલસિંહ રાણાએ જણાવ્યું હતું કે, તેણે બ્રેક લગાવવાની કોશિશ કરી હતી. પરંતુ બ્રેક લગાવી શક્યો ન હતો. બ્રેકના બદલે એક્સિલેટર પર પગ આવી જતા બસ આગળ ચાલી જતા વાહનો હડેફેટે આવતા અકસ્માત સર્જાયો હતો.
બસચાલકનું લાયસન્સ સસ્પેન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવી
સમગ્ર મામલે અકસ્માત બાદ પોલીસે RTOના અધિકારીને સાથે રાખી BSNU મિકેનિઝમ ચેક કરાવ્યું હતું, જે સંપૂર્ણ પણે યોગ્ય હતું એટલે કે બસમાં કોઈપણ પ્રકારની ખામી ન હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત બસચાલક શિશુપાલસિંહ રાણાનું ડ્રાઈવિંગ લાયસન્સ એક્સપાયર થઈ ગયું હોવાથી પોલીસ દ્વાર RTOને બસચાલક શિશુપાલસિંહ રાણાનું ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે ભલામણ કરી દેવામાં આવી છે, જેના આધારે આગળ RTO દ્વારા લાયસન્સ સસ્પેન્ડ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

બંને એજન્સીના જવાબદાર વ્યક્તિઓ નિવેદન લેવાશે
અકસ્માત સર્જાતા પોલીસ દ્વારા સિટીબસનુ સંચાલન માટે જે કંપનીને કોન્ટ્રાકટ મળ્યો છે એ દિલ્લીની PMI એજન્સી તેમજ તેમણે જેને પેટા કોન્ટ્રાકટ આપ્યો છે, તે વિશ્વમ એજન્સીને પણ નોટિસ પાઠવી છે. આ નોટિસ બાબતે આજે બંને એજન્સીના જવાબદાર વ્યક્તિઓ નિવેદન લખાવવા આવશે અને તેમાં કોઈની બેદરકારી કે જવાબદારી નક્કી થશે તો તેમના વિરુધ્ધ કાયદેસરની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો: