સુરત/તાપી: હવામાન વિભાગની આગાહી વચ્ચે વધુ એકવાર સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સુરત જિલ્લામાં વહેલી સવારે ઘણા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. પવન સાથે વરસેલા વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાયા હતા અને વૃક્ષો ધરાશાઈ થયા હતા. તાપી જિલ્લાના વ્યારા શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે વાતાવરણમાં અચાનક મોટો ફેરફાર જોવા મળ્યો. વાવાઝોડા જેવી પરિસ્થિતિના થોડા જ ક્ષણોમાં કમોસમી વરસાદે પણ દસ્તક દીધી હતી.
હવામાન વિભાગે આગામી 24થી 27 મે સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં વોલમાર્ક લો-પ્રેશર સક્રિય થવાથી આ સ્થિતિ સર્જાઈ છે. આગામી 24 કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. નવસારી, વલસાડ, તાપી અને સુરત સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. તાપી જિલ્લામાં બે કલાકમાં 16 મીમી વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સામાન્ય કરતા વધુ વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ અને રાજકોટમાં વરસાદની શક્યતા છે. 30-31 મે સુધી ગાજવીજ અને ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદની આગાહી છે. હાલ ઉત્તર-પૂર્વ દિશામાં 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

સુરત જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. બારડોલી તાલુકામાં પવન અને ગાજવીજ સાથે માવઠું શરૂ થયું છે. શાસ્ત્રીરોડ પર શિશુમંદિર નજીક મહાકાય વૃક્ષ ધરાશાયી થતાં રસ્તો બંધ થયો છે. આશાપુરી મંદિર અને જાગૃતિ નગર પાસે પાણી ભરાવાનું શરૂ થયું છે.
તાપીમાં ક્યાં-ક્યાં વરસાદ?
વ્યારા શહેરના મુસા રોડ અને મિશન નાકા સહિત સોનગઢમાં ભારે પવન ફૂંકાતા લોકોમાં થોડા સમય માટે ભયનો માહોલ અનુભવાયો હતો. પવનની ઝડપ એટલી વધુ હતી કે કેટલી જગ્યા એ પત્રના શેડ પરથી પત્ર ખસી પડ્યા હતા અને ત્યારબાદ શરૂ થયો વરસાદ હતો. આ વરસાદ માનવજીવન સાથે ખેડૂતો માટે પણ ચિંતાનો વિષય બની રહ્યો છે. પવન અને વરસાદ સાથે મોસમમાં આ અણધાર્યો પલટો સૌથી વધુ અસર ખેતી પર કરશે. ખાસ કરીને મોટા પ્રમાણમાં કેરીના પાકને નુકશાન થવાની આશંકા ઉભી થઈ રહી છે. જો કે જિલ્લામાં કેરીનો પાક વહેંચાવા માટે આવી ગયો છે. પરંતુ કેટલીક જગ્યા એ ભરપૂર કેરી લટકતી હોવા છતાં પવનની ઝડપથી ઝાડ પરથી ખરી પડવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.
આ પ્રમાણેના પવન અને વરસાદના કારણે કેરીની માત્રા ઘટી શકે છે અને તેનાથી બજારમાં કેરી ન ભાવ પણ ઓછા મળવાની શક્યતા જોવા મળી રહી છે. જો આવું વાતાવરણ એક દિવસ પણ રહ્યું તો મોટું નુકશાન થાય એ નક્કી છે. જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ પવનની અસર જોવા મળીને હતી સોનગઢ, ડોલવણ, વાલોડ, સહિતના વિસ્તારોમાં ભારે પવન ને કારણે વિસ્તારોમાં વીજ પુરવઠા ખોરવાયો હતો પરંતુ પવન અને વરસાદ બંધ થતા ફરી વીજ પુરવઠો ચાલુ થયો છે. વાવાઝોડાથી વ્યારા નબકાનપુરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં પાર્કિંગના શેડના પત્ર હવાને કારણે ખોરવાયા હતા જેમાં એક પતરું હવાના કારણે ઊડ્યું હતું. પરંતુ સદનસીબે તેના કોઈને ઇજા પહોંચી ન હતી. અચાનક આવેલા વાવાઝોડા અને વરસાદ વચ્ચે વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. જેને લઈને હાઈવે અને શહેરના વિસ્તારોમાં રાહદારીઓ હવા અને વરસાદથી બચવા માટે આશરો શોધવા માટે મજબૂર બન્યા હતા. અચાનક આવેલા પડેલા વાવાઝોડાને લઈને કેટલાક લારી ધારકોને માઠી અસર જોવા મળી હતી.
આ પણ વાંચો: