ખેડાઃ ખેડા જિલ્લાના મહુધામાં એક એપ્રિલના રોજ ધોળે દિવસે ઘરમાં ઘુસી વૃદ્ધને બંધક બનાવી રૂ.2,13,000 ના મુદ્દામાલની લૂંટ થવાની ચકચારી ઘટના બનવા પામી હતી. જે મામલામાં મહુધા પોલીસે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમજ લૂંટનો તમામ મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યો હતો. પોલિસે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન આરોપીઓએ લૂંટની સમગ્ર ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો હતો. તેની તપાસ માટે બંદોબસ્ત સાથે પાંચેય આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ લૂંટની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. પોલિસ દ્વારા આરોપીઓને જાહેરમાં ઉઠક બેઠક કરાવાઈ હતી. જેને લઈને પોલીસ દ્વારા આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું કે સરઘસ કઢાયું તેવા પ્રશ્નો પણ અહીં ચર્ચાયા હતા.
વૃદ્ધને બંધક બનાવી ધોળે દિવસે કરી હતી લૂંટ
મહુધાના રોહિતવાસમાં રહેતા 80 વર્ષિય નિવૃત શિક્ષક જેઠાભાઈ મકવાણા પ્રથમ માળે પોતાના પત્ની સાથે રહે છે. એક એપ્રિલ મંગળવાર રોજ તેઓ પોતાના ઘરે પાછળના રૂમમાં બેઠા હતા. તે દરમિયાન ત્રણ આરોપીઓ અચાનક તેમના ઘરે આવી પહોંચ્યા હતા. જ્યાં રૂમમાં બેઠેલા જેઠાભાઈ પર ચાદર નાંખી તેમના હાથ પગ બાંધી બંધક બનાવી દીધા હતા. તેમને ઘરમાં દાગીના રૂપિયા જે હોય તે બધું આપી દેવા જણાવ્યું હતું. જેઠાભાઈએ ના પાડતા તેમને પગ પર છરીથી ઘસરકો કરતા ડરી જતા તેમણે ઘરમાં રહેલા રૂપિયા આપી દીધા હતા. તિજોરીમાંથી રૂપિયા 1,85,000 અને બીજા એક કબાટમાંથી રૂપિયા 20,000 જેટલી રોકડ રકમ લઈ લીધી હતી. હાથ પર પહેરેલી વીંટી પણ કાઢી લીધી હતી. કુલ રૂપિયા બે લાખ તેર હજારનો મુદ્દામાલ લૂંટી લૂંટારૂ ફરાર થઈ ગયા હતા.
પાંચ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપ્યા હતા
ઘટનાને પગલે જેઠાભાઈએ મહુધા પોલીસ સ્ટેશને પહોંચી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ બાઈક મળી આવી હતી. તેમજ ભોગ બનનાર વૃદ્ધના વિસ્તારમાં જ રહેતા અને તેમને ઓળખતા આરોપીઓએ લૂંટ કરી હોવાની બાતમી મળી હતી. જેને લઈ પોલીસે કિરીટ બાબુભાઈ મકવાણા (રહે. મહુધા) દેવ ઉર્ફે દેવો સંજયભાઈ બારૈયા (રહે. મહુધા) નિલેશ અશ્વિનભાઈ પરમાર (રહે. વટવા, અમદાવાદ) પાનવ ભરતભાઈ રાણા (રહે. વટવા, અમદાવાદ) તેમજ હર્ષ ઉર્ફે સની અશોકભાઈ ગોહિલ (રહે. મહુધા)ને ઝડપી પાડ્યા હતા.
આરોપીઓને સ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું : પીઆઈ
આ બાબતે મહુધા પોલીસ સ્ટેશનના પીઆઈ આર. કે. ગોહિલે જણાવ્યું હતું કે, મહુધામાં તા.1/4/25 ના રોજ બપોરના સમયે બે લાખ તેર હજારના મુદ્દામાલની લૂંટ થયેલી હતી. ફરિયાદી પોતે પતિ પત્ની રહેતા હતા. બપોરના સમયે ચાકૂની અણીએ લૂંટ કરવામાં આવેલ હતી. મહુધા પોલીસ દ્વારા તાત્કાલિક પાંચે પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. નામદાર કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મળેલ હતા. રિમાન્ડ દરમિયાન આરોપીઓએ ક્યા રસ્તાનો ઉપયોગ કરીને કઈ રીતે લૂંટને અંજામ આપેલ હતો તે અંગેનું આરોપીઓને સ્થળ પર લઈ જઈને રિકન્સ્ટ્રક્શન પંચનામુ કરવામાં આવ્યું હતું. રિમાન્ડ પુરા થતા કોર્ટમાં રજૂ કર્યા છે.