ભાવનગર : ગત 7 એપ્રિલની મોડી રાત્રે એક એસટી બસમાં સવાર મુસાફરો એવું કંઈક જોઈ ગયા કે અચાનક બસ રોકાવી દીધી, વધુમાં પોલીસ પણ બોલાવી. ભાવનગરના સિહોર એસટી બસ સ્ટેન્ડમાં બસ ઉભી રહી અને મુસાફરોએ દેકારો મચાવ્યો. સિહોર પોલીસ આવી અને ડ્રાઈવરની અટક કરી લઈ ગઈ. મુસાફરોનું કહેવું છે કે અમે જ પોલીસ બોલાવી, જાણો શું છે મામલો...
સાવરકુંડલા-અંબાજી ST બસમાં થયો હોબાળો...
અમરેલી જિલ્લાના સાવરકુંડલાથી અંબાજી જવા ઉપડેલી બસ ભાવનગરના સિહોર પહોંચી હતી. આ દરમિયાન બસમાં સવાર મુસાફરો નીચે ઉતરીને હોબાળો કરતા હતા. થોડીવારમાં પોલીસ આવી અને બસ ડ્રાઈવરને લઈ ગઈ, પરંતુ એવું શા માટે બન્યું... તે અંગે બસમાં સવાર લોકોએ જણાવ્યું કે, બસ ઉપડી ત્યારબાદ આઠ-દસ કિલોમીટર ચાલતા જ ડ્રાઈવર નશામાં હોવાની ખબર પડી ગઈ હતી. ચાલક પુરપાટ ઝડપે બસ ચલાવતો હતો.
મુસાફરોને કેમ બોલાવી પડી પોલીસ ? મુસાફરોએ વધુમાં જણાવ્યું કે, બસમાં નાના છોકરા અને મહિલાઓ હતા તથા સમગ્ર બસ ફૂલ હતી. આથી અમે ડ્રાઇવરને વારંવાર ચેતવ્યો કે બસને ધીરે ચલાવ. પરંતુ તે માન્યો નહીં. સિહોર આવતા જ પોલીસની ગાડી જોઈને અમે ડ્રાઇવરને એસટી બસ ઉભી રાખવા માટે મજબૂર કર્યો અને ત્યારબાદ પોલીસને બોલાવીને આ અંગે જાણ કરી દીધી હતી.
નશામાં ચૂર બસ ડ્રાઈવર : ભાવનગરના સિહોર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ મોરીએ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, 8 તારીખના રાત્રે સાડા બાર વાગ્યે અમને વડલા ચોક નજીક વાહન ચેકીંગ દરમિયાન રસ્તા પર ચાલતા જતા લોકોએ સિહોર એસટી બસ સ્ટેન્ડમાં લોકોનું ટોળું એકઠું થયું હોવાનું જાણવા મળતા સ્થળ ઉપર જઈને તપાસ કરી હતી.

બસ ડ્રાઈવરની થઈ અટકાયત : લોકોના ટોળાની વચ્ચે એક ખાખી કપડામાં એક શખ્સ કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. તેની પાસેથી તીવ્ર વાસ આવતી હતી. આ વ્યક્તિ સાવરકુંડલા-અંબાજી GJ 18 ZT 0869 નો ડ્રાઇવર મહેશ ગોવિંદ જાદવ 44 વર્ષીય હોવાનું બસના કંડકટર દિનેશ નાથાભાઈ ગમારે જણાવ્યું હતું. આથી તેને ધોરણસર ઝડપી ગુનો નોંધી આગળની કાર્યવાહી પોલીસે કરી હતી.
ડ્રાઈવર વગરની બસનું શું થયું ? સિહોર પોલીસે એસટી બસના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધીને ધોરણસર કાર્યવાહી કરી છે. જો કે, રાત્રે બનેલા બનાવ બાદ ડ્રાઇવરને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. બનાવ બાદ રઝળી પડેલા મુસાફરોને પગલે તાત્કાલિક ધોરણે સિહોર એસટી બસ સ્ટેશન અને કંડકટર દ્વારા એસટી વિભાગમાં જાણ કરતા ભાવનગર એસટી ડેપોમાંથી એક ડ્રાઈવરને ઇમરજન્સીમાં મોકલવામાં આવ્યો હતો. અને ત્યારબાદ બસને રવાના કરાઈ હતી.