કચ્છ: ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત કચ્છ આવેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુજમાં રોડ શો યોજીને જાહેર સભા સંબોધી હતી. વડાપ્રધાનનું સ્વાગત કચ્છના રાજકીય પ્રતિનિધિઓએ કચ્છની વિવિધ કળાઓની કૃતિઓ આપીને કર્યું હતું. જેમાં તેમને કચ્છની વિવિધ કલાઓના સમન્વય સાથે તૈયાર કરવામાં આવેલ પાઘડી તેમજ GI ટેગ ધરાવતી રોગાન કલાની કૃતિ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભાજપના અગ્રણીઓએ રોગાન પેઈન્ટિંગની કૃતિ આપી સ્વાગત કર્યું:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કચ્છના લોકોએ ઉત્સાહપૂર્વક વધાવ્યું હતું. નરેન્દ્ર મોદીનું સ્વાગત કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી ધવલ આચાર્ય, દિલીપ શાહ સહિતના અગ્રણીઓએ રોગાન પેઈન્ટિંગની કૃતિ આપીને કર્યું હતું. આ રોગાન પેઈન્ટિંગ ભુજ તાલુકાના માધાપર ગામમાં રહેતા રોગાન કલાના કલાકાર આશિષ કંસારાએ બનાવ્યું હતું.

ઓપરેશન સિંદૂર અને બ્રહ્મોસ મિસાઈલની પ્રતિકૃતિ બનાવવામાં આવી:
આશિષ કંસારાએ માહિતી અપાતા જણાવ્યું હતું કે, 400 વર્ષ જૂની આ રોગાન કલાની આ પેઇન્ટિંગમાં ઓપરેશન સિંદૂર અને બ્રહ્મોસ મિસાઈલની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. આ પેઇન્ટિંગ બનાવતા આશિષભાઈને 3 દિવસ જેટલો સમય લાગ્યો હતો. આ પેઇન્ટિંગની સાઇઝ 3 બાય 2 ફૂટ હતી. રોગાન કલા કચ્છની બહુ જ પ્રસિદ્ધ કલા છે. ઉલ્લેખનીય છે કે, આશિષ કંસારાએ બનાવેલી શ્રી રાજા રામ દરબારની કૃતિ સ્મૃતિવનના ઉદ્ગાટન વખતે નરેન્દ્ર મોદીને આપવામાં આવી હતી.

કચ્છી કળાઓથી બનાવવામાં આવેલ પાઘડી અને ખેસથી સન્માન:
બીજી બાજુ ઓપરેશન સિંદૂરની સફળતામાં ભુજ આવેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કચ્છી કળાઓથી બનાવવામાં આવેલ પાઘડી અને ખેસથી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં પાઘડીનો રંગ પણ સિંદૂર જેવો લાલ તથા તેમાં પણ તિરંગાની ઝલક દર્શાવવામાં આવી હતી. આ પાઘડી કચ્છના અલગ-અલગ સમાજના ભરતકામ ઉપરાંત આ પાઘડીને હાથવણાટથી તૈયાર કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદીએ પણ કચ્છની કળાઓ અને કચ્છી કારીગરોની પ્રસંશા કરી હતી.

સિંદૂરી પાઘડી 36 કલાકના હાથવણાટ બાદ બનાવાઈ:
ભુજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અશોક હાથીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાઘડી તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ પાઘડી-ખેસ અંગેની વિગતો એવી છે કે તેમને પહેરાવવામાં આવેલ પાઘડી અને ખેસના રંગો તથા ડિઝાઈન તેમણે આપેલા અભિપ્રાય મુજબ તૈયાર કરવામાં આવ્યા હતા. ભુજોડીના હાથવણાટના વણકર કારીગર વિશ્રામ વાલજી વણકરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાઘડી 36 કલાક સતત હાથવણાટથી કામ કરી તૈયાર કરવામાં આવી હતી.

પાઘડીમાં નેણ ભરત, જત ભરત અને આહીર ભરતને પણ સમાવી લેવામાં આવી:
આ ઉપરાંત નરેન્દ્ર મોદીને પહેરાવવામાં આવેલ ખેસ પણ તિરંગાની થીમ પર તૈયાર કરવામાં આવ્યું હતું.આ તિરંગા ખેસને તૈયાર કરતા 30 કલાકનો સમય લાગ્યો હતો. હાથવણાટની સાથે સાથે આ પાઘડીમાં કચ્છના વિવિધ સમાજની હસ્તકલાઓને પણ પાઘડીમાં સમાવી લેવામાં આવી હતી. નરેન્દ્ર મોદીની વિશિષ્ટ પાઘડીમાં નેણ ભરત, જત ભરત અને આહીર ભરતને પણ સમાવી લેવામાં આવી હતી.આ પાઘડીને કચ્છી દરબારના અજયસિંહ મહાવીરસિંહ જાડેજાએ પાઘડીનો શેપ આપ્યો હતો.

આ પણ વાંચો: