દાહોદ: વડાપ્રધાન બે દિવસ ગુજરાતના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે 26મી મે ના રોજ ગુજરાતના દાહોદ જિલ્લાની મુલાકાત લીધી હતી. દાહોદ જિલ્લો તેની અદ્ધભૂત એવી આદિવાસી સંસ્કૃતિ માટે ખૂબ જ જાણીતો છે. ત્યારે આદિવાસી બાહુલ્ય દાહોદની ધરા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે તેમનું સ્વાગત પણ આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસી પરંપરા પ્રમાણે કરવામાં આવ્યું હતું. મહત્વની વાત એ છે કે, જિલ્લાની મુલાકાત તેમજ સભા સંબોધન દરમિયાન વડાપ્રધાન આદિવાસી સાંસ્કૃતિક પરિધાન એવા સાફો, ઝૂલડી (કોટી), ચાંદીનો કંદોરો (કમર પટ્ટો)માં જોવા મળ્યા હતા.
આજે આદિવાસી સંસ્કૃતિની વાત કરીએ તો આદિવાસી સમાજના રીત રિવાજ, વાજિંત્રો, પહેરવેશ, ઓજાર કે હથિયાર તમામ ચીજ વસ્તુઓ અનોખી જોવા મળે છે. ત્યારે દાહોદ જિલ્લામાં આવતા મહેમાનોનું આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે સ્વાગત થતું હોય છે. તેમાં પણ ખાસ મુખ્યમંત્રી અથવા પ્રધાનમંત્રી કે અન્ય નેતાઓ આવતા હોય છે તો ઝુલડી, સાફો અને તીર કામઠાથી આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે સ્વાગત તેમનું કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાનને ભેટ આપવામાં આવેલા આદિવાસી સાંસ્કૃતિક વસ્ત્રો એવા ઝૂલડીની વાત કરીએ તો તે દેખાવમાં કોટી જેવી હોય છે પરંતુ તેને કોટી નથી કહેવાતી. આ ઝૂલડી આદિવાસી સમાજનો પરંપરાગત પહેરવેશ છે. તેઓ ખાસ પ્રસંગોમાં કોટીની જગ્યાએ ઝૂલડી પહેરતા હોય છે. હાથ બનાવટની ઝૂલડી ઉપર આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી ડિઝાઇન બનાવવામાં આવે છે.
મહત્વની બાબત તો એ છે કે, વડાપ્રધાનને આપવામાં આવેલી ભેટ એવી ઝૂલડીને પહેરીને જ તેમણે દાહોદમાં સભા સંબોધિત કરી હતી.
ઝૂલડી પર ભરતકામ જેવી દેખાતી ડિઝાઇન સાદા સિલાઈ મશીનથી કરવામાં આવે છે. આ પ્રકારના વસ્ત્રો બનાવવા માટે અમુક કારીગરો પાસે જ એની આવડત છે. તે પૈકી દાહોદમાં રહેતા પ્રકાશ ભાભોર છે કે જેઓ છેલ્લા દસ વર્ષથી ઝૂલડી તૈયાર કરે છે. દાહોદમાં ખાસ મહેમાનો આવવાના હોય ત્યારે સ્થાનિક નેતાઓ અને મંત્રીઓ દ્વારા ઓર્ડર આપી ઝૂલડી બનાવવામાં આવે છે. સામાન્ય રીતે આ ઝુલડી તૈયાર કરવાનો ખર્ચ 2500 થી 3000 રૂપિયા થાય છે.
વડાપ્રધાનના સ્વાગત માટે તાત્કાલિક ઝૂલડી બનાવવાનો ઓર્ડર મળતા પ્રકાશભાઈએ સતત તેના પર કામ કરવાનું શરૂ કર્યું. અને આશ્ચર્યની બાબત તો એ છે કે, જે ઝૂલડી બનાવવામાં બે થી ત્રણ દિવસનો સમય લાગે છે તેને પ્રકાશભાઈએ માત્ર છ કલાકમાં તૈયાર કરીને આપી હતી. આદિવાસી સમાજ સુધારણા મંડળ આ પ્રકારના કલાકારોને પ્રોત્સાહન આપી આદિવાસી સમાજના પરંપરાગત વસ્ત્રો અને ચીજવસ્તુઓને ઉજાગર કરતા રહેતા હોય છે.
આ પણ વાંચો: