સુરત : પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજ અને પ્રકૃતિનો અનેરો નાતો રહ્યો છે. આદિવાસી સમાજના દરેક તહેવારો ખેતીકામ આધારિત હોય છે. વાવણીથી લઇને કાપણી સુધી, બધા જ તહેવારો વૈજ્ઞાનિક અભિગમ સાથે જોડાયેલા હોય છે. જેને ભારતીય બંધારણમાં રૂઢિ-પરંપરા તરીકે પણ સ્થાન આપવામાં આવ્યું છે. આવો જ એક ઉત્સવ છે, પીલવણી ઉત્સવ...
પીલવણી ઉત્સવ એટલે જીવન ચક્રની શરૂઆત...
જ્યારે જ્યારે પ્રકૃતિ પોતાનું રૂપ બદલે છે, ત્યારે ત્યારે આદિવાસીઓ પોતાના તહેવાર ઉજવે છે. વૃક્ષ કે વનસ્પતિ પર નવી કૂપણ ફૂટે ત્યારે એક નવા જીવન ચક્રનું સર્જન થાય છે. કહેવાય છે કે એક સ્ત્રીને પ્રસુતિ દરમિયાન જેટલી પીડા થતી હોય છે, એટલી જ પીડા વૃક્ષ-વનસ્પતિઓને પણ નવપલ્લવિત કૂપણ ફૂટે ત્યારે થતી હોય છે. પાનખર ઋતુ પુરી થતા વૃક્ષોની નવી કૂંપળ આવે, ત્યારે પીલવણીની ઉજવણી કરવામાં આવે છે.

આદિવાસી સમાજ અને પ્રકૃતિનો અનેરો નાતો : ધરતી પરના સુકાયેલી નદીમાં ઝરણાં ફૂટવાની શરૂઆત થાય, ખેડૂતોને ખેતી કામની શરૂઆત કરવાનો સંકેત મળે, નવા ધાન્ય પાકો લેવા માટે ખેતરોની સાફ સફાઈની શરૂઆત થાય, એક કણમાંથી અનેક કણો પેદા કરી હજારો-લાખો અને કરોડો લોકોની ભૂખ મટાડવા માટે નવા પાક માટે વાવણી લાયક જમીન તૈયાર કરવાની શરૂઆત કરવામાં ધરતીના તાતને ઉત્સાહ અને આનંદ માટેની શરૂઆત એટલે પીલવણીની ઉજવણી.
પીલવણી ઉત્સવની ઉજવણી : વૃક્ષ-વનસ્પતિ પર નવી કૂંપળ ફૂટે ત્યારે શરૂ થતાં જીવન ચક્રના ભાગરૂપે પિલવણી ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેમાં આદિવાસી લોકો દ્વારા કુળના દેવી-દેવતાની પૂજા કરી, પરંપરાગત પરિધાન પહેરી અને વાજિંત્રો સાથે વાજતે ગાજતે ડુંગર ખાતે યાત્રા કાઢવામાં આવે છે. દક્ષિણ ગુજરાતના ગામોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉત્સવમાં જોડાય છે.

પિલવણી ઉત્સવની રૂઢિ-પરંપરા...
સુરત જિલ્લાના અંતરિયાળ ગણાતા ઉમરપાડાના ચારણી ગામ ખાતે આદિવાસી પંચ ગુજરાત દ્વારા પિલવણી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી સમાજ લોકો પોતાના પરંપરાગત પરિધાનમાં જોવા મળ્યા. ચારણી ગામ ખાતેથી એક ટોપલીમાં વિવિધ પ્રકારના ધાન એકઠા કરવામાં આવે છે. ત્યારબાદ તેમાં મહુડાનો અર્ક મૂકવામાં આવે છે. ગામથી ડુંગર પર આવેલા કુળના દેવી-દેવતાના સ્થાનક સુધી ગિબ દેવની યાત્રા યોજાઈ હતી.
વાજતે ગાજતે નીકળી ગિબ દેવની યાત્રા : આદિવાસી લોકો પરંપરાગત વાજિંત્રોના તાલે નાચ-ગાન સાથે ગિબ દેવની યાત્રા લઈ દેવી-દેવતા સમક્ષ હિજારીના સ્વરૂપે લવાતી ટોપલીનું ધાન ચઢાવવામાં આવે છે. સમાજ ભગતો, પુજારા દ્વારા પૂજા વિધિ કરવામાં આવે છે. આજના આધુનિક જમાનામાં જ્યારે લોકો રૂઢિગત પરંપરા ભુલી રહ્યા છે. ત્યારે સામાજિક આગેવાનો પણ સમાજની યુવા પેઢી આધુનિકના આવકારે પણ સંસ્કૃતિ સન્માન આપે એવા એક સંદેશ પણ આપી રહ્યા છે.

આદિવાસી સંસ્કૃતિના દર્શન : દિવસે શરૂ કરવામાં આવેલ આ પીલવણી ઉત્સવની ઉજવણી મોડી રાત્રી સુધી ચાલે છે. જેમાં રેલી, જાત્રા, પૂર્ણ થયા બાદ ઉત્સવ સ્થળે આદિવાસી સમાજના યુવાનો, વડીલો દ્વારા નાચણું, ગીત અને વાજિંત્રો સહિતની કૃતિ રજૂ કરવામાં આવે છે. તેમજ સમાજના આગેવાનો, તજજ્ઞો દ્વારા સંસ્કૃતિ, પરંપરા, રૂઢિગત રીત રિવાજો વિશે માહિતગાર કરાયા છે. સમાજના ભગતો દ્વારા આદિવાસી દેવ કથા કરવામાં આવે છે.