બનાસકાંઠા: દિલ્હીના ચૂંટણી પરિણામ મુદ્દે પાલનપુર શહેરના નાગરિકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. જેમા ક્યાંક આમ આદમી પાર્ટીની હારથી દુઃખ વ્યક્ત કર્યું તો ક્યાંક ભારતીય જનતા પાર્ટીના વિકાસને લોકોએ સ્વીકાર્યો હોવાની વાત લોકોએ જણાવી હતી.
પોતાના જ ગઢ એવા દિલ્હીમાં આમ આદમી પાર્ટીની કારમી હાર થઈ છે. જેમાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિત મોટા નેતાઓએ પોતાની સીટ ગુમાવી છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ બહુમતી સાથે સીટ હાંસલ કરતા પાલનપુર શહેરના નગરજનોએ દિલ્હીના ચૂંટણી પરિણામ વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. દિલ્હી ચૂંટણી પરિણામ જે આવ્યું છે તેમાં કયા કારણો જવાબદાર રહ્યા છે તે મુદ્દે લોકોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
ચિત્ર બિલકુલ બદલાઈ ગયું: દિલ્હી ચૂંટણી પરિણામની વાત કરીએ તો દિલ્હીના 2025 ના ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીએ બાજી મારી છે. આ ચૂંટણી પરિણામમાં ભાજપે 48 સીટો હાંસલ કરી છે. જોકે આમ આદમી પાર્ટી માત્ર 22 સીટ પર જ વિજય મેળવી શકી છે. ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 62 સીટો પર કબજો મેળવ્યો હતો અને ભાજપ માત્ર 8 સીટ જ મેળવી શક્યું હતું. જોકે આ વખતે ચિત્ર બિલકુલ બદલાઈ ગયું છે. કોંગ્રેસની વાત કરીએ તો ગત ચૂંટણીની જેમ આ વખતે પણ કોંગ્રેસ પોતાનું ખાતું પણ નથી ખોલી શકી અને જીરો પર જ આઉટ થઈ ગઈ છે.
દિલ્હીમાં આવેલા ચૂંટણી પરિણામ અને પરિવર્તનને લઈને પાલનપુર શહેરના નગરજનોએ પોતાના વિચારો મીડિયા સમક્ષ મૂક્યા હતા:
દિલ્હીમાં આવેલા પરિણામ મુદ્દે નીતિન પટેલે કહ્યું કે, 'આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી દરમિયાન આપેલા વચનો યમુના સફાઈ અને સુખાકારીના વાયદા પૂરા કરવામાં ક્યાંક કચાશ રહી ગઈ હતી. સાથે જ દિલ્હીની જગ્યાએ રાષ્ટ્રીય નેતૃત્વ કરવા જતા સ્થાનિક મુદ્દાઓ અને સમસ્યાઓ 'જૈસે થે જ' રહેતા લોકોનો ભરોસો ગુમાવી દેતા દિલ્હીના લોકોએ પરિવર્તન લાવ્યું છે.'
શહેરના અન્ય જાગૃત નાગરિક અને પૂર્વ સરપંચ મહેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે, 'દિલ્હીના આ વખતની ચૂંટણી પરિણામમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે અને જે આમ આદમી પાર્ટી વિકાસની વાતો કરતી હતી તે મુખ્યમંત્રી અને ઉપ મુખ્યમંત્રી પોતે જ હારી ગયા છે. એટલે લોકો માત્ર વાતો નહીં પરંતુ હંમેશાં વિકાસને જ સ્વીકારે છે હવે ભારતીય જનતા પાર્ટી દિલ્હીનો વિકાસ કરશે એટલે આ જે જીત થઈ છે તે વિકાસની જીત થઈ છે.'
આમ આદમી પાર્ટીની હારને શહેરના નાગરિક રવિ સોનીએ દુઃખદ ગણાવી હતી તેમણે કહ્યું કે, 'શિક્ષણમાં જેને આખા દેશમાં સૌથી વધુ કામ કર્યું હોય એવા મનીષ સિસોદિયા હારતા હોય, UPSC ના ક્લાસ જે ભણાવતો હોય તેવા વ્યક્તિ અને જેને સૌ માટે કામ કર્યું હોય તેવા લોકો હારી જતા હોય તે દુઃખદ છે. સાથે જ તમને ભારતીય જનતા પાર્ટીને અભિનંદન પણ પાઠવ્યા હતા.'
આમ, દિલ્હીમાં આવેલા 2025 ના પરિણામ અંગે લોકોએ પોતાના અલગ અલગ મંતવ્યો રજૂ કર્યા હતા અને અલગ અલગ કારણો દર્શાવી ક્યાંક આમ આદમી પાર્ટીની હારથી દુઃખી તો ક્યાંક આમ આદમી પાર્ટીથી રહી ગયેલી કચાશના કારણે તેની હાર થઈ હોવાનું જણાવ્યું હતું. તો ક્યાંક સ્થાનિક વ્યક્તિએ લોકો વિકાસને સ્વીકાર છે અને વિકાસની જીત થઈ હોવાનું પણ જણાવ્યું હતું.
આ પણ વાંચો: