જૂનાગઢ: મોટાભાગના લોકોએ ટીવી કે ચલચિત્રમાં મહાભારતને ચોક્કસ જોયું હશે પરંતુ એવા જૂજ લોકો હશે કે જેમણે ફુલમાં મહાભારત જોયું હશે. જે લોકોએ ફૂલોમાં મહાભારત નથી જોયું તેના માટે અમે વિશેષ અહેવાલ લઈને આવ્યા છીએ. પાંડવ વેલ તરીકે ઓળખાતી આ લતામાં ચોમાસા દરમિયાન વિશેષ પ્રકારના ફૂલ આવે છે, જેમાં 100 કૌરવ, પાંચ પાંડવ, મહાદેવ અને બ્રહ્મા વિષ્ણુ મહેશ એક સાથે બિરાજમાન થતા હોય તેવો ભાસ જોવા મળે છે.
ફૂલોમાં જુઓ મહાભારતની સાથે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ:
કોઈ વ્યક્તિ આજે મહાભારતથી અપરિચિત હોય તેવું શોધવું પણ મુશ્કેલ પડે. ટીવી અને ચલચિત્રોમાં મહાભારત જોનાર વર્ગ પણ ન હોય તેને દીવો લઈને શોધવા જઈએ તો પણ ન મળે. પરંતુ આજે અમે એક એવું મહાભારત લઈને આવ્યા છે કે જે કદાચ ખૂબ ઓછા લોકોએ જોયું હશે, અથવા તો કદાચ જ તેનાથી પરિચિત હશે. મહાભારતનું ફૂલ કદાચ આ સાંભળવામાં અચરજ પમાડે તેવું લાગે પરંતુ પાંડવ વેલથી ઓળખાતી આ લતામાં જે પુષ્પ લાગે છે તે બિલકુલ મહાભારતનું પ્રતિનિધિત્વ કરવાની સાથે દેવાધિદેવ મહાદેવ અને ત્રિદેવનું પણ સમન્વય કરતું હોય તે પ્રકારે જોવા મળે છે.

અનોખી પાંડવ વેલ જેમાં મહાભારતના દર્શન:
પાંડવ વેલ તરીકે ઓળખાતી આ લતામાં જે પુષ્પો લાગે છે તેમાં સૌથી નીચેના ભાગે પુષ્પની નાની નાની કળીઓ કે જેની સંખ્યા 100 ગણવામાં થાય છે તે કૌરવોને પ્રદર્શિત કરે છે. તેની ઉપર સફેદ રંગની પરંતુ માત્ર પાંચ પાંખડીઓ કે જેને પાંડવો માનવામાં આવે છે. વચ્ચે પુષ્પની એક કળી કે જે શિવલિંગના આકારે જોવા મળે છે જેને મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે.

આ તમામની ઉપર અલગ પ્રકારે સફેદ કલરની ત્રણ પુષ્પની પાખડીઓ કે જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તરીકે ઓળખાય છે. આમ, આ એક જ પુષ્પ 100 કૌરવો પાંચ પાડવો, દેવાધિદેવ મહાદેવ અને ત્રિદેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશને એક સાથે પ્રસ્થાપિત કરે છે. જેથી આ વેલનું નામ પાંડવ વેલ રાખવામાં આવ્યું છે. આ વેલના પુષ્પો એકદમ સુગંધિત હોવાથી તે વાતાવરણને રળિયામણું પણ કરી આપે છે.

ચોમાસા દરમિયાન પાંડવ વેલને રોપી શકાય:
ચોમાસા દરમિયાન પાંડવ વેલને રોપવાનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ વેલ ખૂબ જ ગાઢ થતી હોવાને કારણે તે ઉનાળામાં છત જેવું કામ પણ કરે છે. વધુમાં આ વેલમાં મચ્છર કે કોઈપણ પ્રકારની જીવાત થતી નથી જેથી તે ઘરમાં પણ ખૂબ ઉપયોગી બને છે. ચોમાસા દરમિયાન રોપવામાં આવે તો વેલની ઉગવાની શક્યતા સો ટકા બની જાય છે, જે સમગ્ર વર્ષ દરમિયાન અને ચોમાસામાં વિશેષ પ્રમાણમાં પુષ્પો આપે છે.

આ પણ વાંચો: