પંચમહાલ: શહેરા તાલુકાના વાટાવછોડા ગામનો નગરપાલિકામાં સમાવેશ કરવાને લઈને ગ્રામજનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનોએ એકઠા થઈને સરપંચને મૌખિક રજૂઆત કરતા જણાવ્યું હતું કે, વેરા સહિતની અન્ય ઘણી સમસ્યાઓને લઈને વિરોધ છે. નગરપાલિકામાં ન જોડાવા મામલે રાજ્ય શહેરી વિકાસ કમિશનર સહિત જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
વાટાવછોડા ગામે વિરોધના વંટોળ:
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલું વાંટાવછોડા ગામ આશરે ત્રણ હજાર જેટલી વસ્તી ધરાવે છે. આ ગામમાં સાત વોર્ડ આવેલા છે. ગામના લોકો ખેતી અને મજૂરીકામ સાથે જોડાયેલા છે. પંચમહાલ જિલ્લાની શહેરા નગરપાલિકા વર્ષોથી અસ્તિત્વમાં છે. હાલમાં તેમાં કેટલાક અન્ય પરા વિસ્તારના ગામો પણ જોડાયેલા છે. હવે અન્ય ગામોને પણ નગરપાલિકામાં જોડવાની હિલચાલને લઈને વિરોધ જોવા મળી રહ્યા છે.
કેમ નગરપાલિકામાં નથી જોડાવા માંગતા !
શહેરા નગરપાલિકામાં વાટાવછોડા ગામનો સમાવેશ કરવાના નિર્ણય સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો. ગામના લોકોએ એકઠા થઈ સરપંચને ઉગ્ર રજૂઆત કરી હતી. સાથે જ ઉચ્ચ કક્ષાએ પણ લેખિત રજૂઆત કરતા જણાવ્યું કે, અમારું ગામ ખેતી અને ગ્રામ્ય જીવન પદ્ધતિ પર આધારિત છે. અમે ગામના લોકો પરંપરાગત ગર્વનન્સ પંચાયતી રાજ હેઠળ રહીને વિકાસના કામો કરવા માંગીએ છીએ. અહીંના વિરુદ્ધ કામ કરવું અમારી સ્વતંત્રતા અને પંચાયતી હક્કો વિરુદ્ધ છે.

"અમારું ગામ નગરપાલિકામાં ન જવું જોઈએ. અમારાથી વેરો ભરાય નહીં. લોકો હાલનો વેરો પણ ભરી શકતા નથી. ગામના લોકો ના પાડે છે કે અમારે પાલિકામાં જોડાવું નથી. ગ્રામલોકોએ મને પણ આ મામલે રજૂઆત કરી છે." - પ્રેમાભાઈ પટેલિયા (સરપંચ)
ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી:
આ મામલે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા કલેક્ટર, પાલિકા મુખ્ય અધિકારી, રાજ્ય શહેરી વિકાસ વિભાગ- ગાંધીનગર સહિત લેખિત રજૂઆત કરી હતી. ગ્રામજનોનું કહેવું છે કે, અમારે નગરપાલિકામાં જોડાવું નથી. શહેરા અમારે પાંચ કિમી દૂર થાય છે. અમારે કોઈ સરકારી કામકાજ કરવું હોય તો અમાટે શહેરા દૂર પડે છે. ગ્રામ પંચાયત કચેરી નજીક હોવાથી અમારે કામ ઝડપથી થઈ જાય છે.
