પંચમહાલ: પંચમહાલ જિલ્લાના સાત તાલુકાઓમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેને લઈને તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીઓ ખાતે ફોર્મ ભરવાની કામગીરી હાલમાં શરુ કરવામાં આવી છે. જેથી સંરપંચ પદના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે આવીને વાજતે-ગાજતે અબીલ ગુલાલની છોળો વચ્ચે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે. સાથે જ પોતાના ગ્રામ પંચાયત વિસ્તારમાં મતદારોની વચ્ચે જઈ મત માંગી રહ્યા છે, અને પોતાના વિજયની આશા વ્યક્ત કરી રહ્યા છે.
પંચમહાલ જિલ્લામાં 266 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ધમધમાટ શરુ થયો છે. જેમાં શહેરા, ગોધરા, હાલોલ, કાલોલ, જાંબુઘોડા, ઘોઘંબા સહિતના તાલુકાઓમાં ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. ચૂંટણીની તારીખો જાહેર થતા ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી ચૂંટણી અધિકારીઓની દેખરેખ હેઠળ પુરજોશમાં ચાલી રહી છે. સરપંચ બનવા થનગનતા ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા આવી રહ્યા છે.
પંચમહાલ જિલ્લામાં આવેલી ગ્રામ પંચાયતોની વિગતો જોઈએ તો ગોધરા તાલુકામાં 61 ગ્રામ પંચાયતો માટે 39 બેઠકો, શહેરા તાલુકામાં 42 ગ્રામ પંચાયત માટે 35 બેઠકો, મોરવા હડફ તાલુકામાં 29 ગ્રામ પંચાયત માટે 17 બેઠકો, કાલોલમાં 40 પંચાયત માટે 27 બેઠકો, ઘોઘંબામાં 51 ગ્રામ પંચાયત માટે 33 બેઠકો, હાલોલ તાલુકામાં 31 ગ્રામ પંચાયત માટે 16 બેઠકો તથા જાંબુઘોડા તાલુકામાં 12 ગ્રામ પંચાયત માટે 4 સરપંચ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આમ કુલ 266 જેટલી ગ્રામ પંચાયત માટે 171 જેટલી સરપંચ બેઠકો માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે.

આ પણ વાંચો: