પંચમહાલ : હાલમાં જ મનરેગા યોજનામાં થયેલા ગેરરીતીની તપાસ કરવાની માંગ સાથે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું. આવેદનપત્ર આપવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
મનરેગા કૌભાંડ મુદ્દે મેદાને આવ્યું AAP : પંચમહાલ જિલ્લા કલેકટરને સંબોધન કરીને આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, પંચમહાલ જિલ્લામાં થયેલા કામોમાં વ્યાપક ગેરરીતિ કરવામાં આવી છે. તંત્ર દ્વારા તેની તપાસ કરવામાં આવે તેવી અમારી માંગ છે. મનરેગા યોજનામાં મજૂર લોકોને મજૂરી મળે તે માટેનો કાયદો છે. કાયદાને નેવે મૂકીને કમાણીનું સાધન બનાવી વ્યાપક ગેરરીતિ આચરવામાં આવે છે.
આમ આદમી પાર્ટીએ આપ્યું આવેદન : પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ જણાવ્યું કે, મનરેગા યોજનામાં 60-40 નો રેશિયો ના જાળવીને ખોટા કામો બતાવીને કરોડોનું કૌભાંડ આચરવામાં આવે છે. આ મામલે તપાસ તમામ જિલ્લાના તમામ તાલુકાઓમાં કરવામાં આવે તેવી અમારી માંગ છે. સાથે જ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ છે.
તપાસ કરી કાર્યવાહી કરવા માંગ : ખાસ કરીને જાંબુઘોડા તાલુકાના કામોની તપાસ કરવામાં આવે અને તેના ખોટા બિલો બનાવીને તપાસમાં જે કોઈ અધિકારી કે કર્મચારીની સંડોવણી બહાર આવે તો તેને તાત્કાલિક ધોરણે નોકરીમાંથી બરતરફ કરવો જોઈએ. અને તપાસમાં જે કોઈ એજન્સીનું નામ હોય તે એજન્સીને બ્લેક લીસ્ટ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.