પંચમહાલ: હાલોલ નગરપાલિકા દ્વારા પાવાગઢથી નીકળી હાલોલમાંથી પસાર થઈ વડોદરા તરફ જતી વિશ્વામિત્રી નદીના કોતરને ડેવલપ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે. આ બાબત વિશે હાલોલ નગરપાલિકા હોલ ખાતે મળેલી પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે, હાલોલ નગર વિશ્વામિત્રી નદીના કિનારે વસેલું છે. ગત વર્ષોમાં વધુ વરસાદને કારણે અહીંના વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઉદભવી હતી. જેથી ભવિષ્યમાં આવી સ્થિતિ ન ઉદભવે તે માટે સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે રજૂઆત કરી હતી. તેમની રજૂઆતને પગલે હવે તંત્ર દ્વારા હાલોલમાંથી પસાર થતી આ નદીના 13 કિલોમીટર વિસ્તારના કોતરને કરોડોના ખર્ચે વંદે વિશ્વામિત્રી નામ આપી ડેવલપ કરવામાં આવશે, જે આગળ જતા 'વહો વિશ્વામિત્રી'ના પ્રોજેક્ટ સાથે કનેક્ટ કરવામાં આવશે.
હાલોલ નગરપાલિકા દ્વારા વંદે વિશ્વામિત્રી નામના ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં હાલોલ નગરના ગામ, તળાવની સાથે સાથે હાલોલ વિસ્તારમાં આવેલા નાના તળાવોને કનેક્ટ કરી તળાવોમાં બારેમાસ પાણી રહે તેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. તેમજ ચેક ડેમ બનાવી પાણીને સ્ટોરેજ કરવામાં આવશે. જેમ જેમ પાણીની જરૂરિયાત ઊભી થાય તેમ ચેકડેમમાંથી પાણી છોડવામાં આવશે.
પત્રકાર પરિષદમાં નગરપાલિકાના મુખ્ય અધિકારી હિરલ ઠાકરે જણાવ્યું કે, ભવિષ્યમાં આ પ્રોજેક્ટથી 18 લાખ લોકોને ફ્રીમાં પીવાનું પાણી મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈ આવનાર સમયમાં પૂરની સ્થિતિ ન ઉદભવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.
તેમણે જણાવ્યું કે, આ ઉપરાંત હાલોલ નજીક આવેલ પાવાગઢ ડુંગર વિસ્તારમાં ગીધની વસ્તી 15 જ રહી છે, તેની વસ્તીનો વધારો થાય અને આવા પક્ષીઓ જળવાઈ રહે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે. કારણ કે ગીધ પ્રકૃતિના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે જેને લઈ હાલોલના ઘન કચરા સાઇટ પર ગીધ માટે 15 લાખના ખર્ચે 20 મીટર ઊંચું ઓપન રેસ્ટોરેન્ટ ટાવર ઉભો કરવામાં આવશે.
આ રેસ્ટોરન્ટ ટાવરમાં ગીધ માટે પાણી તેમજ ખોરાકની વ્યવસ્થા હાલોલ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે. આ કાર્ય માટે સમગ્ર ભારતમાં હાલોલ નગરપાલિકા પ્રથમ હશે આ પ્રોજેક્ટનું પ્લાન્ટ અને એસ્ટીમેન્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, અને તે સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજનામાંથી કરવામાં આવશે.
આ પણ વાંચો: