બનાસકાંઠા : પાલનપુરમાં પોલીસ વિભાગના નેત્રમ પ્રોજેક્ટ દ્વારા છેલ્લા એક વર્ષમાં ત્રણ કરોડ 83 લાખથી વધુના ઈ-ચલણ આપવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનારા લોકોને એક કરોડથી વધુનો મેમો આપી કાયદાનું ભાન કરાવ્યું છે.
પોલીસ વિભાગનો નેત્રમ પ્રોજેક્ટ : પાલનપુર શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ દ્વારા નેત્રમ પ્રોજેક્ટથી નજર રાખવામાં આવી રહી છે. છેલ્લા એક વર્ષમાં ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા વાહન ચાલકોને નેત્રમ પોલીસ દ્વારા 3 કરોડ 83 લાખથી વધુના ઈ-મેમો આપવામાં આવ્યા છે. સાથે 52 જેટલા ગુનાનો ભેદ ઉકેલવામાં પણ નેત્રમના કેમેરા દ્વારા પોલીસને સફળતા મળી છે.
3 કરોડથી વધુના ઈ-મેમો ફાડ્યા : છેલ્લા એક વર્ષમાં ત્રણ કરોડ 83 લાખથી વધુના ઈ મેમો આપી 10,641 મેમોની ભરપાઈ કરાવી 84.8 લાખની રકમ નેત્રમ પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો પાસેથી વસૂલ કરવામાં આવી છે. આ ઇ-મેમોમાં સૌથી વધુ ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનારા 20,867 વાહન ચાલકોને એક કરોડથી વધુના રકમના ઈ-ચલણ નેત્રમ પોલીસે ફટકાર્યા છે.
ગુનાનો ભેદ ઉકેલવામાં પણ મદદગાર : નેત્રમ પોલીસ દ્વારા પાલનપુર શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ઉપર પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે. પાલનપુર શહેરમાં અપહરણ, લૂંટ, અકસ્માત, ગુમ માલસામાન સહિતના 52 જેટલા ગુનાનો ભેદ ઉકેલવામાં પણ નેત્રમ પોલીસના કેમેરાની મહત્વની ભૂમિકા રહી છે. શહેરમાં બનેલા વિવિધ ગુનાઓનો ભેદ ઉકેલીને 63 લાખ 62,658 નો મુદ્દામાલ નેત્રમ સીસીટીવીની મદદથી જ કબજે કરવામાં આવ્યો છે.
નેત્રમ પોલીસે બાજ નજર : પાલનપુર શહેરમાં દરેક વિસ્તાર તેમજ મુખ્ય રોડ રસ્તા ઉપર દ્વારા કેમેરા લગાવી સતત નજર રાખવામાં આવી રહી છે. ટ્રાફિક નિયમોનું પાલન નખનારા વાહન ચાલકો સહિત ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપનાર અસામાજિક તત્વો ઉપર પણ નેત્રમ પોલીસે બાજ નજર રાખી રહી છે. નેત્રમ પોલીસની સફળ કામગીરીના કારણે જ આજે પાલનપુર શહેરમાં ગુનાઓનું પ્રમાણ ખૂબ જ ઘટ્યું છે.