ભાવનગર: જમ્મુ કાશ્મીર ગયેલા ભાવનગરના 20 લોકોના સમૂહમાં એક પરિવારના પિતા-પુત્રનું આંતકવાદી હુમલામાં મૃત્યું થયું છે ત્યારે પિતા-પુત્રના પાર્થિવ દેહને ગઈકાલે મોડી રાતે ભાવનગર લાવવામાં આવ્યા. રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પણ રાત્રી રોકાણ ભાવનગરમાં કર્યું છે.સવારે તેઓ અંતિમયાત્રામાં હાજરી આપી હતી, મુખ્યમંત્રી સહિતના ઘણા અગ્રણીઓએ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ આપી હતી,
ગત 22 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં સહેલાણીઓ ઉપર થયેલા આંતકવાદી હુમલામાં ભાવનગરના પિતા-પુત્રનું મોત નીપજ્યું હતું. જ્યારે એક વ્યક્તિને હાથમાં ગોળી વાગતા ઇજાગ્રસ્ત હાલતે હજુ પણ કાશ્મીરમાં સારવાર લઈ રહ્યા છે.
ભાવનગરના પિતા-પુત્રના પાર્થિવદેહ પહોંચ્યા
મૃતક પિતા-પુત્રના પાર્થિવ દેહને કાશ્મીરથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ અને અમદાવાદથી મોડી રાતે ભાવનગર લાવવામાં આવ્યા હતા. રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પર ભાવનગર આવી પહોંચ્યા હતા અને રાત્રે રોકાણ કર્યુ હતું, આજે સવારે તેઓ અંતિમયાત્રામાં હાજરી આપવાના છે.
20 લોકોનું ગ્રુપ ગયું હતું કાશ્મીર
ભાવનગર શહેર અને જિલ્લામાંથી કુલ 20 લોકોનું એક ગ્રુપ કાશ્મીરમાં ચાલી રહેલી મોરારિ બાપુની કથામાં ભાગ લેવા માટે ગયું હતું. જેમાં કેટલાક લોકો પહેલગામ ફરવા માટે ગયા હતા. 22 તારીખના બપોરના સમયે આંતકવાદીઓએ પહેલગામમાં હુમલો કર્યો અને વિનુભાઈ ડાભી નામના વ્યક્તિને જમણા હાથના બાવડા ઉપર ગોળી વાગી હતી, જેથી તેઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે હાથના ભાગે માત્ર ગોળી પસાર થઈને નીકળી હતી જેથી તેમને સામાન્ય ઈજા થઈ હતી.

પિતા-પુત્ર અને અન્ય લોકોનું શું
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં હુમલાની ઘટના દિવસે પિતા-પુત્ર વિશે કોઈ સમાચાર મળ્યા નહોતા. જો કે તે દિવસે મોડી રાત્રે સમાચાર આવ્યા હતા કે પિતા-પુત્રનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે અન્ય લોકો સુરક્ષિત છે. ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં નંદનવન સોસાયટી પાસે રહેતા યતિશભાઈ પરમાર આશરે 55 વર્ષીય અને તેમનો પુત્ર આશરે 22 થી 25 વર્ષીય સ્મિત પરમાર આંતકવાદીઓના હુમલાનો ભોગ બનતા મૃત્યુ પામ્યા હોવાનું સામે આવ્યું હતું, તેને લઈને ભાવનગરના કલેકટર દ્વારા પણ જાહેર કરાયું હતું.

મૃતદેહ પહેલા CM આવી પહોંચ્યા
જમ્મુ કાશ્મીરથી પિતા-પુત્રના મૃતદેહ આવે તે પહેલા જ ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ રાત્રિના આઠ કલાકની આસપાસ ભાવનગર આવી પહોંચ્યા હતા. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ભાવનગર સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કર્યુ હતું અને આજે સવારે 8.00 કલાકે મૃતક યતિશભાઈ પરમાર અને સ્મિત પરમારના રહેણાંક ઉપર અંતિમયાત્રામાં હાજરી આપશે. મુખ્યપ્રધાન આવી પહોંચતા કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા, કુંવરજીભાઈ બાવળીયા સહિત સ્થાનિક ધારાસભ્ય અને નેતાઓએ સર્કિટ હાઉસ ખાતે હાજરી આપી હતી.

સવારથી પિતાપુત્રના ઘરે નેતા અધિકારીઓની મુલાકાત
ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યતિશભાઈ પરમારના ઘરે સવારથી જ ભાવનગરના કલેકટર મનીષકુમાર બંસલ અને ભાવનગરના ડીએસપી હર્ષદ પટેલ મુલાકાત લઈને પરિવારને સાંત્વના આપી ચૂક્યા હતા. ત્યારબાદ સ્થાનિક ધારાસભ્યોએ પણ હાજરી આપી હતી. જ્યારે અંતમાં 23 તારીખની મોડી રાત્રે નિમુબેન બાંભણિયા અને કુંવરજી બાવળિયાએ પણ તેમના ઘરે જઈને પરિવારને સાંત્વના આપી હતી. જો કે આ સમયે બાદમાં કોંગ્રેસના નેતાઓએ પણ તેમના ઘરે જઈને પરિવારની મુલાકાત કરી હતી અને સાંત્વના પાઠવી હતી.

પિતા-પુત્ર અને તેમનો પરિવાર
ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા પિતા-પુત્ર યતીશ પરમાર અને સ્મિત પરમારના ઘરે જાણ નહીં કરવા દેવાની હોવાને પગલે તેમના પરિવારજનો દ્વારા મીડિયાને પણ સચેત સવારમાં કરાયા હતા. જો કે મૃતક સ્મિત પરમારના મામા અને યતિશભાઈના સાળા પ્રકાશભાઈ નાથાણીએ જણાવ્યું હતું કે, તે લોકો 16 એપ્રિલના રોજ યતીશભાઈ, કાજલબેન અને સ્મિત સહિત ભાવનગરથી 20 લોકો કાશ્મીરમાં મોરારિ બાપુની કથામાં ગયા હતા. અને ત્યારબાદ 22 તારીખે આંતકવાદીના હુમલાને લઈને ત્યાંથી ફોન આવતા ઘટનાની જાણ થઈ હતી. વધુ માહિતી માટે પરિવારમાંથી શોક મગ્ન હોવાથી મળી શકી નોહતી.

પિતા-પુત્ર અને મૂળ વતન પાલીતાણા
ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યતિશભાઈ પરમાર અને સ્મિત પરમાર બંને પિતા-પુત્રનું મૂળ વતન પાલીતાણા હોવાનું સૂત્રમાંથી જાણવા મળ્યું છે. જો કે સ્મિત આશરે 22 થી 25 વર્ષની ઉંમરનો હોય અને ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં જ કોલેજીયન નામની હર સલૂનની દુકાન ચલાવતો હતો તેમના પિતા જતિશભાઈ પરમાર આશરે 55 વર્ષીય છે. જો કે હજુ પણ યતિશભાઈના પિતા હૈયાત હોવાનું સૂત્રમાંથી જાણવા મળ્યું હતું તેમના પિતાને મોડે સુધી યતીશ પરમાર અને સ્મિત પરમારના મૃત્યુને પગલે સમાચાર આપવામાં આવ્યા ન હતા જેથી મીડિયાને ઘરથી દૂર રાખવામાં આવ્યું હતું તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

સવારે અંતિમ વિધિ કરવામાં આવશે
કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યતિશભાઈ પરમાર અને સ્મિત પરમારના નિવાસ્થાનેથી સવારે તેમની અંતિમયાત્રા યોજવામાં આવશે, બંને મૃતકોની અંતિમયાત્રામાં ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે. અગ્નિસંસ્કાર સમયે પણ રાજ્યના મુખ્યપ્રધાન હાજરી આપી શકે તેવું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.હાલમાં મૃતક પિતા પુત્રના પાર્થિવ દેહને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં પીએમ રૂમમાં રાખવામાં આવ્યા છે.સવારે બંને પિતા-પુત્રના મૃતદેહો પરિવારને સોંપવામાં આવશે.