ગીર સોમનાથ : હાલમાં જ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાની ઘટના બની છે. આતંકીઓએ પ્રવાસીઓને નિશાન બનાવીને અંધાધૂંધ ફાયરિંગ કરી, જેમાં 26 લોકોના મોત થયા. આ ઘટનાને પગલે હવે સોમનાથ મંદિરમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા સાથે કોઈપણ અઘટિત ઘટનાને રોકવા પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.
સોમનાથની સુરક્ષામાં વધારો : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ કરીને 26 પ્રવાસીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યારબાદ સમગ્ર દેશમાં ભારે ભયના માહોલ વચ્ચે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એકદમ સતેજ બનીને સુરક્ષાની કામગીરી કરી રહી છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં પણ જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત-દુરસ્ત રહે તે માટે આવતા જતા તમામ પ્રવાસીઓને તપાસ કરવામાં આવી રહી છે.
ઝેડ પ્લસ સિક્યુરિટી સુરક્ષા કવચ : સોમનાથ મહાદેવ મંદિર ઝેડ પ્લસ સિક્યુરિટી સુરક્ષા કવચ ધરાવે છે, જેથી સમગ્ર મંદિર પરિસરમાં ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા પહેલેથી જ અમલમાં આવી છે. પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ મંદિર પરિસર અને આસપાસના તમામ વિસ્તારોમાં ડોગ અને બોમ્સ સ્ક્વોડની સાથે પોલીસ દ્વારા સોશિયલ મીડિયાની તમામ ગતિવિધિ પર બારીક નજર રાખવામાં આવી રહી છે. આ સિવાય પથિક સોફ્ટવેર પર કે જે સોમનાથમાં આવેલા ગેસ્ટ હાઉસ અને હોટેલમાં રોકાતા પ્રવાસીઓની વિગત માટે બનાવવામાં આવ્યું છે, તેના પર પણ પોલીસ ચુસ્ત નજર રાખી રહી છે.

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો : સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ વિગતો આપતા જણાવ્યું કે, સોમનાથ આવતા પ્રત્યેક પ્રવાસીઓ અને વાહનોમાં શંકાસ્પદ વ્યક્તિનું સઘન ચેકિંગ થઈ રહ્યું છે. આ સિવાય મંદિરમાં દર્શન કરવા માટે જતા પ્રત્યેક પ્રવાસીઓની પણ મહિલા અને પોલીસ કર્મચારીઓ દ્વારા ખૂબ જ બારીકાઈથી તપાસ કરીને મંદિર પરિસરમાં દર્શન કરવા માટે જવા દેવામાં આવે છે.

દરિયાકિનારા પર સુરક્ષા વધારી દેવાઈ : સોમનાથ મંદિર સુરક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વ ધરાવે છે. પોલીસ દ્વારા સુરક્ષાને લઈને કોઈપણ કચાસ ન રહે તે માટે યુદ્ધના ધોરણે વિશેષ સુરક્ષા અભિયાન શરૂ કર્યું છે. કોઈ પણ સંભવિત ઘટનાને રોકવા માટે ક્વિક રિસ્પોન્સ સેલ અને ખૂબ લાંબો દરિયાકિનારો ધરાવતા સોમનાથ મંદિર પરિસરની આસપાસ પોલીસ દ્વારા દરિયાઈ સુરક્ષાને પણ મજબૂત કરી દેવામાં આવી છે.