ધૂળેટી પર્વે કેશોદમાં ધુણેશ્વર દાદાને ભક્તો કરે છે 'ધૂળનો અભિષેક', શું છે લોકમાન્યતા જાણો
જુનાગઢના કેશોદમાં ધુણેશ્વર દાદાના મંદિરે ધૂળેટીના પર્વે લોકમેળો યોજાય છે અને ધૂળનો અભિષેક કરાય છે. તેમજ ઘોડા દોડ અને બળદ ગાડાની રેસનું પણ યોજાઈ છે.

Published : March 15, 2025 at 10:38 AM IST
જુનાગઢ: સમગ્ર રાજ્ય ભલે ધૂળેટીનો તહેવાર રંગબેરંગી કલરની છોળો ઉડાવીને કરતું હોય પરંતુ કેશોદ તાલુકામાં ધુળેટીનો તહેવાર અનોખી રીતે ઉજવવામાં આવે છે.
ધુણેશ્વર દાદાને ધૂળનો અભિષેક અને ત્યારબાદ ઘોડા અને બળદ ગાડાની રેસની સાથે ભજન સંધ્યા અને મહાપ્રસાદની સાથે અનોખી રીતે ઈસરા ગામમાં ધૂળેટીના દિવસે લોકમેળો યોજાય છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ હાજર રહીને ધૂળેટીની અનોખી રીતે ઉજવણી કરે છે.
ધુણેશ્વર દાદાને ધૂળનો અભિષેક: આજે સમગ્ર રાજ્યમાં રંગોના તહેવાર ધૂળેટીનો ખૂબ જ ધામધૂમપૂર્વક નાચગાન અને ડીજે સંગીતની સાથે રંગબેરંગી કલરની છોળો વચ્ચે ઉજવણી થઈ રહી છે. ત્યારે જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ઈસરા ગામમાં ધુળેટીની ઉજવણી લોક ઉત્સવ અને મેળાના સ્વરૂપમાં થાય છે.

અહીં રંગબેરંગી કલરની છોળો ડીજે અને ઢોલ નગારાની કોઈપણ હાજરી હોતી નથી. પરંતુ પારંપરિક રીતે ધુણેશ્વર દાદાને ધૂળનો અભિષેક કરીને અનોખી રીતે ધુળેટીના દિવસે લોક મેળામાં પરંપરાગત રીતે ઉજવણી થતી હોય છે.

ધૂળેટીના દિવસે ધૂળના અભિષેકનું મહત્વ: કેશોદ તાલુકાના ઈસરા ગામની નજીક આવેલા ટીંબા પર બિરાજમાન ધુણેશ્વર દાદાને ધુળેટીના દિવસે ધૂળનો અભિષેક કરીને વિશેષ ઉજવણી થતી હોય છે.
પરંપરાગત લોકમાન્યતા અનુસાર કોઈ પણ પરિવારની મનોકામના પૂર્ણ થાય ત્યારે ધુણેશ્વર દાદાના મંદિરે અને ટેકરી પર આવેલા ચેતન રાફડામાં પાંચ ખોયા ધૂળ અર્પણ કરીને મનોકામના પૂર્ણ થયા બાદ શ્રદ્ધાળુ દાદા પ્રત્યે તેમની આસ્થા વ્યક્ત કરવા માટે ધૂળેટીના દિવસે પહોંચી જાય છે.

ધુણેશ્વર દાદાને ઘઉંની ઘૂઘરીનો પ્રસાદ: પરિવારમાં પુત્ર કે પુત્રી રત્નના જન્મને લઈને ધુણેશ્વર દાદાને ઘઉંની ઘૂઘરી પ્રસાદ તરીકે અર્પણ કરવાની પણ એક વિશેષ પરંપરા જોવા મળે છે.
આજના દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ધુણેશ્વર દાદાના દર્શન કરવા માટે પહોંચે છે. જેના માટે ભોજન પ્રસાદની સાથે ભજન સંધ્યાનું આયોજન પણ કરવામાં આવતું હોય છે. જેનો પણ લાભ શ્રદ્ધાળુ લેતા હોય છે.

બળદ અને ઘોડાની લાગે છે રેસ: ધુણેશ્વર દાદાના ચરણોમાં ધૂળેટીના દિવસે કોઈ પણ વ્યક્તિ પોતાની આસ્થા વ્યક્ત કરવા માટે આવે છે. તેની સાથે પશુપાલકો તેમના બળદ અને ઘોડાની રક્ષા થાય આખું વર્ષ તેઓ નિરોગી રહે તે માટે પણ ખાસ દાદાના દર્શનાર્થે બળદ અને ઘોડાને પણ લાવે છે. અહીં બળદગાડા અને ઘોડાની રેસ પણ લગાવવામાં આવે છે.

આ રેસ કોઈ સ્પર્ધા નહીં પરંતુ દાદા પ્રત્યે જે વ્યક્તિને શ્રદ્ધા હોય અને જેમની પાસે બળદ ગાડું કે ઘોડા હોય. આવા તમામ શ્રદ્ધાળુ તેમની સાથે તેમના પશુઓનું દાદા રક્ષણ કરે તે માટે પણ ખાસ ઉપસ્થિત રહીને ઘોડા દોડ અને બળદગાડા રેસમાં ભાગ પણ લેતા હોય છે.
આ પણ વાંચો:

