ભરૂચ: જિલ્લામાં આવેલા અંકલેશ્વરના નિકટવર્તી ગામ ગડખોલની નેહલ મિનેષભાઈ મિસ્ત્રીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU), સુરતમાંથી B.Sc. કેમિસ્ટ્રીના વિષયમાં અભ્યાસ કરીને યુનિવર્સિટીમાં ટોપ સ્થાન મેળવ્યું છે. 2500 કરતાં વધુ વિદ્યાર્થીઓ વચ્ચે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને નેહલે ગોલ્ડ મેડલ જીત્યો છે, જે સમગ્ર વિસ્તારમાં અને ખાસ કરીને ગડખોલ ગામ અંકલેશ્વર તાલુકા તેમજ ભરૂચ જીલ્લા માટે ગૌરવની વાત છે.
નેહલના પિતા મિનેષભાઈ અને માતૃશ્રી કડિયાકામ મજુર વર્ગના સામાન્ય પરિવારમાંથી આવે છે. આવા સહજ જીવન અને મર્યાદિત સાધનો હોવા છતાં, નેહલે પોતાનું ધ્યાન ભણતર પર કેન્દ્રિત રાખીને સતત મહેનત અને દ્રઢ મનોબળ દ્વારા આ સિદ્ધિ હાંસલ કરી છે.
નેહલનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સરકારી શાળામાંથી જ થયું છે. નેહલ બાળપણથી જ અભ્યાસમાં તેજસ્વી રહી છે અને તેના શિક્ષકો અને પરિવારજનોએ હંમેશા તેનો ઉત્સાહ વધાર્યો છે. પરીક્ષાઓની તૈયારી દરમિયાન નેહલે નિયમિત અભ્યાસ અને સમયનું યોગ્ય આયોજન કરીને ટોપરના પદને હાંસલ કર્યું છે.
નેહલ કહે છે કે, “મારા માતા-પિતા એ ઘણી મહેનત કરીને મને ભણાવ્યા છે. હું મારી સિદ્ધિ તેમને સમર્પિત કરું છું. ભવિષ્યમાં MSc અને પછી રિસર્ચ દ્વારા દેશમાં કંઇક ખાસ કરવાની મારી ઈચ્છા છે.” તેના આ ઉમદા સંકલ્પ અને અવિરત પ્રયત્નો અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે. નેહલની સફળતાની કથાની ખબર જે ત્યાં સુધી પહોંચશે, ત્યાં સુધી તે વિદ્યાર્થી અને માતા-પિતા માટે એક જીવંત ઉદાહરણ બની રહેશે કે મહેનત અને દ્રઢ નક્કી સાથે કોઈ પણ ગોલ હાંસલ કરી શકાય છે.
આ પણ વાંચો: