નવસારી : હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં નવસારી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ મૂકવામાં આવ્યું છે.
નવસારીના વાતાવરણમાં પલટો આવ્યો : હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આજે નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો. ભર ઉનાળે ભારે પવન સાથે શરૂ થયેલા વરસાદ જાણે વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ હોય તેઓ માહોલ નવસારીમાં જોવા મળ્યો છે. હાલ તો ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
ભારે પવનથી વૃક્ષો ધરાશાયી થયા : વહેલી સવારથી જ ગાજવીજ અને ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી હતી. જેને લઈને મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ સર્જાયો હતો, ફાયર વિભાગની ટીમે ધરાશાયી થયેલા વૃક્ષોને હટાવવાની કામગીરી શરૂ કરી દીધી છે.

ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ : બીજી તરફ કેરી, ડાંગર અને ચીકુ પકવતા ખેડૂતો માટે વિપરીત સ્થિતિનું નિર્માણ થયું છે. કારણ કે હાલ કેરીની સીઝન ચાલી રહી છે અને ખેડૂતોની વાડીઓમાં તૈયાર પાક લહેરાઈ રહ્યો છે. ત્યારે આ પવનના કારણે કેરીનું ખરણ અને ગુણવત્તા પર મોટી અસર થવાની ભીતિ સર્જાઈ છે.
જ્યારે નવસારીમાં મોટી માત્રામાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. જેમાં પણ ઉનાળુ ડાંગર તૈયાર થયું છે, જે કમોસમી માવઠાના કારણે પાણીમાં ભીનાવવાથી ખેડૂતોને મોટું નુકસાન કરશે.