નવસારી: નવસારીના ખેડૂતો ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયા છે. છેલ્લા એક મહિનાથી વરસી રહેલા કમોસમી વરસાદે નવસારી જિલ્લાના ડાંગર પકવતા ખેડૂતોની ચિંતામાં અનેકગણો વધારો કર્યો છે. એક તરફ કુદરતી આફત અને બીજી તરફ વેપારીઓની મનમાની, આ બંને પરિબળોએ ખેડૂતોની કમર તોડી નાખી છે.
નવસારી જિલ્લો ડાંગરના પાક માટે જાણીતો છે. અહીંના ખેડૂતો વર્ષમાં બે વાર, ચોમાસું અને ઉનાળુ, એમ બે ડાંગરના પાક લે છે. આ વર્ષે ઉનાળુ ડાંગરનો પાક સારો રહેતા ખેડૂતોને સારી આવકની આશા હતી. બે વર્ષથી કુદરતી આફતોનો સામનો કરી રહેલા ખેડૂતોને આશા હતી કે આ વર્ષે રાહત મળશે. પરંતુ મે મહિનાની શરૂઆતથી જ શરૂ થયેલા કમોસમી વરસાદે જાણે ચોમાસું વહેલું લાવી દીધું હોય તેવી સ્થિતિ સર્જી છે. તોફાની પવનો સાથેના ભારે વરસાદથી ખેતરોમાં ઉભો પાક ઢળી પડ્યો હતો. જ્યાં પાકને ઓછું નુકસાન થયું હતું, ત્યાં ખેડૂતોને કાપણીની ચિંતા સતાવી રહી હતી. જોકે, વરસાદી માહોલ વચ્ચે થોડો ઉઘાડ નીકળતા ખેડૂતોએ રાત-દિવસ એક કરીને ચાઈના મશીનોની મદદથી પાક કાપી છે. જેના કારણે ડાંગર બચી ગયાનો સંતોષ તો થયો, પરંતુ હવે વધુ મોટી સમસ્યા ઉભી થઈ છે. ભેજનું પ્રમાણ વધુ હોવાને કારણે ડાંગરના વેચાણનો પ્રશ્ન ખેડૂતોની ઊંઘ હરામ કરી રહ્યો છે.
સામાન્ય રીતે ખેડૂતો ડાંગરનો પાક સહકારી મંડળીઓ, સંઘ, જીન અને પૌવા મિલો તેમજ અન્ય વેપારીઓને વેચતા હોય છે. વેપારીઓ ગામડે ગામડે ફરીને ખેડૂતોના ઘરેથી જ ડાંગર ખરીદતા હોય છે. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી વેપારીઓ ભેજનું પ્રમાણ વધુ હોવાનું બહાનું કાઢીને ખરીદી જ નથી કરી રહ્યા. આનાથી ખેડૂતોને ડાંગરનો સંગ્રહ ક્યાં કરવો તે મોટો પ્રશ્ન બન્યો છે. તો બીજી તરફ 3451ના ડાંગરના ભાવની સામે 2400 કે 2500 રૂપિયા આપે તો ખેડૂતો નુકસાન કરીને કઈ રીતે વેચી શકે?

ગત વર્ષે 18 ટકા ભેજ હોય તો પણ ડાંગરના સારા ભાવ મળતા હતા. પરંતુ આ વર્ષે વેપારીઓ 14 કે 16 ટકા ભેજ હોય તો જ ખરીદી કરે છે અને ભાવમાં પણ 3400 રૂપિયા આરાના મળતા હતા, એના અત્યારે 2400-2500 રૂપિયા માંડ આપે છે. પરિસ્થિતિ એવી છે કે ખેડૂતો ડાંગરને સૂકવવા માટે મજૂરી ખર્ચ પણ કરી રહ્યા છે, જેથી ભેજનું પ્રમાણ ઓછું થાય. છતાં સંઘ કે મંડળીઓમાં પણ જો ભેજ જણાય તો ડાંગર પાછો વાળવામાં આવે છે, જેનાથી ટ્રાન્સપોર્ટ ખર્ચ પણ માથે પડે છે.

સદલાવ ગામના ખેડૂતો જણાવી રહ્યા છે કે, કમોસમી માવઠાના કારણે ડાંગરનો ઊભો પાક ઢળી પડતા ખેડૂતોને આર્થિક નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. તો બીજી તરફ કોરા દિવસો જોઈને ખેડૂતોએ ડાંગરની કાપણી કરી અને ભીનો પાક સુકવવાની પ્રક્રિયા પણ કરી, જેમાં મહદ અંશે ખેડૂતોને સફળતા મળી. પરંતુ હાલ મંડળીઓ પોતાની મનમાની ચલાવી રહી છે અને ખેડૂતોનો ડાંગરનો પાક ભેજવાળો હોવાની વાત કરીને છેલ્લા ત્રણ દિવસથી ખરીદતા નથી. જેથી ખેડૂતોને ડાંગરનો તૈયાર પાક ક્યાં રાખવો તે પ્રશ્ન ઉભો થયો છે. કારણ કે ખેડૂતો પાસે એવા કોઈ ગોડાઉનના વિકલ્પ નથી જેથી ડાંગરને પોતાના ઘરની પાસે શેરીઓમાં ખુલ્લામાં મુકવાનો વારો આવ્યો છે.

નવસારીના ડાંગર પકવતા ખેડૂતો કુદરતી આફત અને વેપારીઓની મનમાની, આ બેવડા મારથી ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોની એક જ અપીલ છે કે, સરકાર કે સહકારી આગેવાનો તેમની પડખે આવે અને યોગ્ય ભાવે ડાંગરની ખરીદી થાય. હવે જોવું રહ્યું કે સરકાર અને તંત્ર આ મામલે ક્યારે અને કેવા પગલાં લે છે.
આ પણ વાંચો: