નવસારી: જિલ્લા એગ્રીકલ્ચર યુનિવર્સિટીની ફોરેસ્ટ્રી કોલેજની વિદ્યાર્થીની પ્રીતિ વત્સની ISRO માં વૈજ્ઞાનિક 'સી' તરીકે પસંદગી થતા યુનિવર્સિટી અને ખાસ કરીને ફોરેસ્ટ્રી કોલેજનું ગૌરવ વધ્યું છે. મૂળ હરિયાણાની વતની પ્રીતિ વત્સની આ સિદ્ધિ અનેક વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક બનશે.
પ્રીતિ વત્સની શૈક્ષણિક યાત્રા:
પ્રીતિ વત્સે ફોરેસ્ટ્રી કોલેજ, નવસારી ખાતેથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેના શૈક્ષણિક પ્રદર્શનને કારણે તેને 2021માં વાઇસ ચાન્સેલર ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેણે કેરળથી MSC ની ડિગ્રી મેળવી. આ ડિગ્રી માટે તેણે ICAR PG પ્રવેશ પરીક્ષા આપી હતી, જેમાં તેને અખિલ ભારતીય સ્તરે બીજો રેન્ક પ્રાપ્ત થયો હતો અને તેને શિષ્યવૃત્તિ પણ મળી હતી.
MSC ની ડિગ્રી પૂર્ણ કર્યા બાદ, પ્રીતિએ ડૉ. સતીશ સિંહાના માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટ્રી કોલેજમાં Ph.D. શરૂ કરી. Ph.D.ના અભ્યાસની સાથે જ તેણે હૈદરાબાદ ખાતે નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર દ્વારા લેવાયેલ લેખિત પરીક્ષા આપી. આ પરીક્ષામાં કુલ 20 ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે પસંદ કરવામાં આવ્યા હતા, અને તેમાંથી માત્ર 4 ઉમેદવારોની ISRO માં વૈજ્ઞાનિક 'સી' તરીકે પસંદગી કરવામાં આવી, જેમાં પ્રીતિ વત્સનો પણ સમાવેશ થાય છે. પ્રીતિ હવે અમદાવાદના સ્પેસ એપ્લિકેશન સેન્ટર, ISRO ખાતે પોતાની કારકિર્દીની યાત્રા શરૂ કરશે.
ચંદનના વૃક્ષ પર સંશોધન:
પ્રીતિ વત્સ હાલ ચંદનના વૃક્ષો પર Ph.D. કરી રહી છે. તેના સંશોધનનો મુખ્ય ઉદ્દેશ્ય ચંદનના લાકડામાં ચંદન તેલની ટકાવારી કેટલી હોય છે, ગુજરાતમાં ચંદનના વાવેતર માટે શ્રેષ્ઠ વિસ્તાર કયો છે, અને ચંદનના લાકડામાંથી કેટલા વર્ષો સુધી તેલ મેળવી શકાય છે તે શોધવાનો છે. આ અભ્યાસ ચંદનના વૃક્ષો વાવતા ખેડૂતો માટે ખૂબ જ મદદરૂપ થશે.

ISRO માં નવી શરૂઆત અને ભવિષ્યના લક્ષ્યો:
પોતાની નવી કારકિર્દીની તકો વિશે પ્રીતિ ખૂબ જ ઉત્સાહિત છે. ISRO માં તેની નોકરી દરમિયાન તે ફોરેસ્ટ્રી અને ઇકોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરશે. આમાં પ્રીતિ રિમોટ સેન્સિંગ અને GIS ટેકનોલોજીનો ઉપયોગ કરીને જંગલો અને તેમની સંરચનાનો અભ્યાસ કરશે. સેટેલાઇટ ઈમેજોની મદદથી તે ફોરેસ્ટ્રી ડાયનેમિક્સનો અભ્યાસ કરશે.
પ્રીતિએ જણાવ્યું કે, "આજકાલ ક્લાઇમેટ ચેન્જ એક મોટો મુદ્દો છે અને કાર્બન ક્રેડિટ્સ પણ એક કેન્દ્રિત ભાગ છે. તેથી, હું તેના પર અભ્યાસ કરવાનો પ્રયાસ કરી રહી છું."

ફોરેસ્ટ્રી ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દીના અવસરો:
ફોરેસ્ટ્રી કોલેજના ડીન ડૉ. મિનલ ટંડેલે જણાવ્યું કે, "ફોરેસ્ટ્રીના અભ્યાસમાં મોટાભાગના લોકો એવું વિચારે છે કે નોકરીની તકો ઓછી છે અને વિદ્યાર્થીઓને માત્ર વન વિભાગમાં જ નોકરી મળે છે. પરંતુ પ્રીતિ વત્સે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે, કે જો તમે તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો અને વ્યૂહાત્મક રીતે કામ કરો, તો તમને ચોક્કસપણે કારકિર્દીની વધુ સારી તકો મળે છે."
તેમણે ઉમેર્યું કે, "આજકાલ ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓને ISRO, બાયસેગ, ARA સાયન્ટિસ્ટ, ઔદ્યોગિક સલાહકાર જેવી જગ્યાઓ પર નોકરી મળે છે અને તેઓ પોતાનો વ્યવસાય પણ શરૂ કરી શકે છે. પ્રીતિ વત્સની આ સિદ્ધિ ફોરેસ્ટ્રી ક્ષેત્રે અભ્યાસ કરતાં અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે."
આ પણ વાંચો: