નવસારી : મંદી વચ્ચે રત્નકલાકારોની નવી માંગ સામે આવી છે. નવસારીના શાંતાદેવી રોડ પર સ્થિત સહજાનંદ એક્સપોર્ટ હીરા ફેક્ટરીમાં આજે મોટી હડતાળ જોવા મળી. 700 થી 800 રત્નકલાકારોએ કામ બંધ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. તેમના દાવા અનુસાર, લાંબા સમયથી તેઓ પગાર વધારાની માંગ કરી રહ્યા છે, પરંતુ ફેક્ટરી માલિકે માંગ નકારી કાઢતાં હવે હડતાળ પર ઉતર્યા છે.
નવસારીમાં રત્નકલાકારોની હડતાલ : નવસારીમાં હીરા ફેક્ટરીના રત્નકલાકારો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. કામદારોનું કહેવું છે કે મહિનાઓથી તેઓ પગાર વધારો માંગતા હતા, પણ ફેક્ટરી સંચાલકોએ વાત કાને નથી ધરી. આથી 700 થી 800 કામદારો એક સાથે હડતાળ પર ઉતરી ગયા. રત્નકલાકારોએ ફેક્ટરીમાં કામ બંધ કરી દીધું છે અને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.
રત્નકલાકારોની સમસ્યા અને માંગ : રત્નકલાકારોનું કહેવું છે કે “અમારી મહેનતને યોગ્ય વળતર નથી મળતું. કાચા માલના ભાવ વધી ગયા, ફેક્ટરીની કમાણી વધી છે, તો અમારો પગાર કેમ વધતો નથી ?
હડતાળની પરિસ્થિતિ અંગે કારીગરોએ જણાવ્યું હતું કે, રોજ એક આશા સાથે અમે કારખાને આવીએ છીએ કે પરિસ્થિતિ સુધરશે, પરંતુ આમ થતું નથી. ફેક્ટરી સંચાલકો સાથે વાત કરતા તેમનો દાવો છે કે વિશ્વબજારમાં મંદીના કારણે હીરા ઉદ્યોગ પહેલેથી જ તણાવમાં છે, અને તેઓએ પહેલાથી જ કેટલાક લાભ આપી દીધા છે.
સહજાનંદ એક્સપોર્ટના સંચાલકે જણાવ્યું કારણ...
સહજાનંદ એક્સપોર્ટના સંચાલક શાંતિલાલે જણાવ્યું કે, "રફ હીરાના ભાવમાં ઉતાર ચઢાવ હોવાના કારણે સ્થિરતા નથી, તેના હિસાબે ઘણી સમસ્યા આવી રહી છે. જેમ કે માલની કોસ્ટ વધારે આવે છે અને માર્કેટમાં બનીને જાય ત્યારે વેલ્યુ ડાઉન થઈ જાય છે. પોલીસ થયેલા હીરાના નરમ બજારને કારણે વર્તમાન ભાવ નક્કી કરવામાં આવ્યા છે. જો બજારમાં તેજી આવશે, તો ભાવ વધારવાની ખાતરી આપવામાં આવી છે. પરંતુ હાલ મેં પરિસ્થિતિ પ્રમાણે ભાવ આપ્યા છે. આગળની સ્થિતિ હું હેન્ડલ કરી શકું તેમ નથી અને વધારે ભાવ આપી શકું તેવી સ્થિતિમાં નથી.