નવસારી: કોઈના નામની ખોટી ID બનાવનાર ચેતી જજો કારણ કે નવસારીમાં એવું કૃત્ય કરનાર યુવક પોલીસના હાથે ઝડપાયો. નવસારી જિલ્લામાં એક અજાણી મહિલાની ફોટો અને મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને ખોટી સોશિયલ મીડિયા આઈડી બનાવી “Call Me” જેવા સંદેશ શેર કરવામાં આવ્યા હતા. પરિણામે મહિલાને અજાણ્યા લોકોથી કોલ આવવા લાગ્યા હતા. ગભરાયેલી મહિલાએ તાત્કાલિક નવસારી સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે મહિલાની ફરિયાદને ગંભીરતાપૂર્વક લઈ એક સપ્તાહની અંદર આરોપીની ઓળખ કરી નાખી હતી. પીઆઈ યુ.એલ. મોદીના માર્ગદર્શન હેઠળ મહિલા પીએસઆઈ પી.એમ. શેખ તથા ટીમના અધિકારીઓ કિરણસિંહ, કૃષ્ણા લંબોડે અને ગંગાસિંહે ટેક્નિકલ સર્વેલન્સના આધારે જલાલપોરના રહેવાસી આરોપી જયેશ ગજેરાને ઝડપી પાડ્યો હતો.
આ કેસ અંગે પીઆઈ યુ.એલ. મોદીએ જણાવ્યું કે, “કેટલાક યુવાનો અંગત અદાવતના કારણે મહિલાઓને બદનામ કરવા ખોટા એકાઉન્ટ બનાવે છે. આવા કિસ્સામાં મહિલાઓએ ડરવાની જરૂર નથી, પરંતુ તરત જ સ્થાનિક પોલીસ મથક અથવા સાયબર ક્રાઈમ સેલનો સંપર્ક કરવો જોઈએ.”
તેમને વધુમાં જણાવતા કહ્યું કે, આપ સૌને અનુરોધ છે કે, સોશિયલ મીડિયામાં પોતાની માહિતી સાવચેતીપૂર્વક શેર કરો અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃતિ જોવા મળે તો પોલીસને જાણ કરો. આવા અસામાજિક તત્વોને કાયદેસર સજા અપાવવી દરેક નાગરિકની જવાબદારી છે.
આ પણ વાંચો: