અમદાવાદ: અમદાવાદ શહેર વસાવનાર અહેમદ શાહે અમદાવાદમાં ઘણી કિંમતી ઐતિહાસિક ધરોહરરૂપી વિરાસતોનું નિર્માણ કરાવ્યું હતું. આ જ કારણ છે કે અમદાવાદ શહેર એક ઐતિહાસિક શહેર બનીને વિશ્વપટલ પર પ્રસિધ્ધ થયું છે. આ ઐતિહાસિક ધરોહરોમાંથી એક છે અહેમદ શાહ બાદશાહની કબર.
વર્લ્ડ હેરિટેજ અમદાવાદ શહેરમાં અહેમદ શાહની કબર બાદશાહના હજીરા નામથી પ્રસિદ્ધ છે. આ સ્થળ અમદાવાદના જામા મસ્જિદ માણેકચોક ખાતે આવેલું છે. અહેમદ શાહના મકબરામાં પ્રવેશતા પહેલા, એક ઐતિહાસિક દરવાજો આવે છે, જેને સામાન્ય રીતે નૌબત ખાના તરીકે ઓળખવામાં આવે છે. આજે પણ, અહમદશાહ બાદશાહને સલામી પેશ કરવા માટે નૌબત વગાડવામાં આવે છે.
નોબત એક પરંપરાગત વાદ્ય જુથ છે, જેને રાજાના આગમન અને વિદાયની જાહેરાત કરવા માટે ,મહાનુભાવોનું સ્વાગત અથવા યુદ્ધની શરૂઆત અને રાજવી પરિવારમાં જન્મ-મૃત્યુ અથવા લગ્ન જેવા વિશેષ પ્રસંગોનું સ્વાગત કરવા માટે વગાડવામાં આવે છે.
આજે પણ આ પરંપરા ચાલુ છે અને હંમેશા બાદશાહની યાદમાં નોબત વગાડવામાં આવે છે. નોબત સંગીતકારોની નવમી પેઢીના સંગીતકારો આજે પણ નોબત વગાડે છે. બાદશાહના હજીરા પાસે આવેલા પ્રવેશ દ્વારની અંદર આવેલા નોબત ખાનામાં દરરોજ નગારા અને શરણાઈ આ લોકો વગાડે છે. નોબત ખાનાનો અર્થ સંગીત ખંડ થાય છે. શાહી સમયગાળામાં સાંજે નોબત વગાડીને સૂર્યાસ્તની અને રાત્રે કિલ્લાના દરવાજા બંધ કરવાની જાહેરાત કરવામાં આવતી હતી.

'હું અને મારા ભાઈ શેરૂ શેખ પાંચમી પેઢીથી આજ સુધી નૌબત વગાડવાની પરંપરાને જીવીત રાખી છે. ગુરૂવાર અને શુક્રવારના દિવસે પાંચ ટાઈમ નોબત વગાડવામાં આવે છે અને અને દરરોજ સાંજે 07:00 વાગ્યે અને રાત્રે 11:00 વાગે નોબત વગાડવામાં આવે છે .અહમદ શાહ બાદશાહના શાસનકાળ દરમિયાન, રાત્રે 11 વાગ્યે કિલ્લાના વિસ્તારના બધા 12 દરવાજા બંધ કરતા પહેલા નાગરિકોને જાણ કરવા માટે રાત્રે શરણાઈ અને નોબત વગાડવાની પ્રથા હતી. આ વાદન પછી અડધા કલાક દરવાજા બંધ કરવામાં આવતા હતા. આજે, છસ્સો વર્ષથી, આ પરંપરા અમારા પરિવાર દ્વારા પેઢી દર પેઢી ચલાવવામાં આવી રહી છે, જે ખૂબ જ અદ્ભુત છે' - અમીર મિયા શેખ, નૌબત વગાડનાર સંગીતકાર
અહેમદશાહ બાદશાહના હજીરાના ખાદીમ અહેમદ મિયાએ જણાવ્યું હતું કે 'ઈતિહાસના પાનાઓમાં એ વાત નોંધાયેલી છે કે 600 વર્ષથી અહેમદ શાહ બાદશાહની યાદમાં નોબત વગાડવામાં આવે છે.વાસ્તવમાં, નૌબત એક પરંપરાગત સંગીત છે જેમાં ત્રણ પ્રકારના સંગીત વાદ્યોનો ઉપયોગ થાય છે. અહીંના નોબત ખાના ત્રણ તારવાળી નોબત વગાડે છે. જેમાં શહેનાઈ, નગારા અને તબલાનો ઉપયોગ થાય છે'.

એવું કહેવાય છે કે રાજાના સમયમાં, અહમદ શાહ બાદશાહના વિદાયની જાહેરાત કરવા માટે નૌબત વગાડવામાં આવતી હતી, તેમજ મહેમાનોનું સ્વાગત, યુદ્ધોની શરૂઆત, રાજવી પરિવારમાં બાળકોના જન્મ અને જન્મદિવસ, લગ્ન અને મૃત્યુની જાહેરાત કરવામાં આવતી હતી, જે પરંપરા આજે પણ ચાલુ છે.

નૌબત એક સંગીતમય કલા સ્વરૂપ છે, જેને અમદાવાદના લોકો આજે પણ ખૂબ જ ઉત્સાહથી વગાડે છે અને સાંભળે છે. નોબતને ઐતિહાસિક સંગીતમાં સામેલ કરવામાં આવ્યું છે. જેને સાંભળવા માટે લોકો દૂર-દૂરથી અહીં આવે છે. અહમદ શાહનો આ વારસો હજુ પણ લોકોના હૃદયમાં સ્થાન ધરાવે છે.