છોટાઉદેપુરઃ છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીના કિનારે વસેલા હિરપરી, ભેસાવહી, બારવાડ, શિહોદ, સુસ્કાલ, જબુગામ સહીતનાં કિનારાનાં ગામોમાં ખેડૂતોના કૂવા, બોરમાં ચોવીસ કલાક પાણી ચાલતા હતા. જેણે લઈને ખેડૂતો કેળ જેવી બગાયતી ખેતી કરતા હતા, પરંતુ ઓરસંગ નદીમાં બેફામ રેત ખનન થતા ઓરસંગ નદી 50 થી 60 ફૂટ ઊંડી થતાં ખેડૂતોના કૂવા, બોરમાં પાણીના સ્તર નીચા ચાલ્યા જતાં ખેડૂતોનો ઊભો મોલ સુકાઈ રહ્યો છે.
છોટાઉદેપુર જિલ્લામાં એક સમયે જબુગામ અને જેતપુર પાવી તાલુકાના ઓરસંગ નદી કિનારાના ગામોમાં જમીન અને નદીનું લેવલ સરખું રહેતું હોવાને લઈને ઓરસંગ નદીની રેતીમાં કુદરતી રીતે જળ સંચય થતું હતું. ઓરસંગ નદીનું પાણી ખેડૂતોના કૂવા, બોરમાં આવતું હોવાને લઈને પાકા પાણી ચાલતા હતાં જેણે લઈને ખેતી ક્ષેત્રે આ વિસ્તાર સમૃદ્ધ ગણાતો હતો, પરંતુ ઓરસંગ નદીમાં અત્યાધુનિક રેત ખનન થવાથી નદી 50 થી 60 ફૂટ ઊંડી થવાથી હવે ખેડૂતોના બોર કૂવાના પાણી ઓરસંગ નદી તરફ વળી જતાં ઓરસંગ કિનારનાં ગામોમાં જળ સંકટ ઊભું થવા પામ્યું છે.
પૌરાણિક મંદિરે સ્નાન કરવા દૂર દૂરથી આવતા લોકો
જેતપુર પાવી તાલુકાના બરાવાડ ગામનું તેલાઈ માતાના પૌરાણિક મંદિરની સામે બારે માસ ધરામાં પાણી રહેતું હતું અને એ ધરામાં સ્નાન કરવાથી ચામડીનાં રોગો મટી જવાની માન્યતાને લઇને દૂર દૂરથી લોકો સ્નાન કરવા આવતા. ધરાની માટી શરીર પર લગાવવાથી ચામડીનાં રોગો મટી જતાં હોવાની માન્યતાને લઇને ધાર્મિક રીતે તેલાઈ માતાના મંદિરે સળંગ ત્રણ દિવસનો મેળો ભરાતો હતો. એ ધાર્મિક સ્થાન પણ ઓરસંગ નદીમાં અત્યાધુનિક વિકાસ ખનન થવાના કારણે પ્રભાવિત થયું છે.
બારવાડ ગામના ચંદુભાઈ રાઠવા પાંચ વર્ષ પહેલા પોતાના 30 ફૂટ ઊંડા કૂવામાં બારેમાસ ખેતી કરતા હતા અને અન્ય ખેડૂતોને ભાડે પાણી આપતા હતા, પરંતુ તેમના કૂવામાં પાણી ચાલ્યું જતાં, તેઓ કૂવાની બાજુમાં બોર કરાવ્યો છે. તેમાં પણ પાણી ડચકા લેતા તેમનો ઊભો મોલ સુકાઈ રહ્યો છે.
ખેડૂતને ખેતી કરવાનું છોડવું પડ્યું
બારાવાડ ગામના ખેડૂત રામસીંગભાઈ રાઠવા પોતાની સાત એકર જેટલી જમીનમાં ખેતી કરવા કૂવામાં બબ્બે એન્જીન ચલાવી ખેતી કરતાં હતાં, પરંતુ કૂવામાં પાણી સુકાઈ જતાં ખેતરમાં જુદી જુદી જગ્યાએ સાત લાખનો ખર્ચ કરી છ જેટલાં બોર કરાવ્યા છતાં પાણી નહીં મળતા ખેતી કરવાનું છોડી મૂક્યું છે.
ઓરસંગ નદીના કિનારે આવેલા બારાવાડ ગામનો ગાઉન્ડ ઝીરો રિપોર્ટ કરતાં આખા ગામના લોકો ખેતી અને પશુપાલન કરી જીવન નિર્વાહ કરી રહ્યાં છે. ત્યારે હાલ કૂવા, બોર, હેન્ડ પમ્પમાં પાણી નહીં આવતા સિંચાઈની સમસ્યા ઊભી થઇ છે, પણ પીવાના પાણી માટે પણ વલખા મારવાનો વખત આવ્યો છે. નલસે જલ યોજનાના નળમાં માત્ર પાંચ મિનિટ પાણી આવતા માણસો અને પશુઓને પાણી ક્યાંથી લાવવુંએ પણ એક મોટી સમસ્યા સર્જાઈ છે.
ઓરસંગ નદીમાં રેતીની ઘણી લીઝ ચાલવાથી લીઝ માલિકોને બખ્ખા છે, તો સરકારને પણ કરોડો રૂપિયાની રોયલ્ટીની આવક થાતી હશે, પરંતુ અત્યાધુનિક રેત ખનન થવાથી જળ સંકટથી જે પર્યાવરણીય અસર ઊભી થઈ તેનાથી હજારો ખેડૂતોની ખેતી નહીં થાય તો ખેડૂતો કેવી રીતે જીવન નિર્વાહ ટકાવશે તે એક મોટો સવાલ ઊભો થાય તેમ છે.
તંત્રમાં અજંપા ભર્યું મૌન
ઈટીવી ભારતના સંવાદદાતા રાજેશ રાઠવા દ્વારા ખાણ ખનીજ વિભાગના અધિકારી સૈયદને આ મામલે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓની તબીયત હાલ નાદુરસ્ત હોઈ તેઓ પાસેથી જવાબ મળ્યો ના હતો. આ મામલે ધારાસભ્ય જયંતિ રાઠવાને પણ રૂબરુ મળી તેમનું મંતવ્ય જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તેઓ પણ આ મામલે મળ્યા નહીં.