વલસાડ : સાડા ત્રણ હજાર કરતાં વધુ ઔદ્યોગિક કંપનીઓ ધરાવતી વાપી નગરીમાં ફાયરની કામગીરી કરતી નોટિફાઇડ ફાયર વિભાગ દ્વારા નેશનલ ફાયર સેફટી ડે ની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે આગ અકસ્માતમાં શહીદ થયેલા 66 જેટલા જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ, તેમજ વિશેષ જાગૃતતા રેલીનું આયોજન કરાયું.
રાષ્ટ્રીય અગ્નિશમન દિન : વર્ષ 1944માં મુંબઈના પોર્ટ ઉપર આવેલા એક મોટા જહાજમાં પ્રચંડ ધડાકા સાથે આગની ઘટના બની હતી. આ મોટી હોનારતને કાબુમાં લેવા માટે અનેક ફાયરની ટીમ પહોંચી હતી. આગ ઉપર કાબુ મેળવવા ઉતરેલા 66 જેટલા જવાનો શહીદ થયા હતા. તેમની યાદમાં રાષ્ટ્રીય કક્ષાએથી 14 એપ્રિલને નેશનલ ફાયર ડે તરીકે ઉજવવામાં આવે છે.
શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ : મુંબઈમાં 1944 માં બનેલી ડોકયાર્ડની ઘટનામાં શહીદ થયેલા 66 જેટલા ફાયરના જવાનોને નોટિફાઇડ વાપી ફાયર વિભાગના જવાનો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ સાથે જ ફાયર સેફ્ટીને લગતા વિવિધ સાધનોનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું. ફાયર વિભાગના જવાનોએ જણાવ્યું કે હંમેશા તેમની સાથે રહેતા આ તમામ સાધનો તેમની પોતાની સહિત અન્ય લોકોની પણ સુરક્ષા કરતા હોય છે.
વાપી ફાયર વિભાગની જાગૃતતા રેલી : વાપી નોટીફાઈડ ઉદ્યોગનગરમાં ફાયરની મોટી ઘટનાઓ રોકવા માટે ફાયર વિભાગ કાર્યરત છે. આજે નેશનલ ફાયર ડે નિમિત્તે આગ જેવી મોટી હોનારત સમયે જાગૃતતા લાવવા માટે એક વિશેષ જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ફાયરની ગાડીઓ ઉપર વિવિધ બેનરો લગાવી આગ લાગવાના સમયે કયા પ્રકારની તકેદારી રાખવી એ અંગેની તમામ વિગતો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ રેલી નોટિફાઇડના વિવિધ વિસ્તારોમાં ફરી હતી.
જનતાને સમજાવી ફાયર સેફ્ટી ટેકનીક : ફાયર વિભાગની તમામ ગાડીઓ સાથે આજે જાગૃતતા રેલી નોટિફાઇડ વિસ્તારના ફાયર સ્ટેશનથી નીકળી વાપીના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. ફાયરની ગાડીઓના સાયરન સાથે નીકળેલી આ ગાડીઓનો કાફલો જોઈ એક સમયે લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જોકે બાદમાં જનતાને ખબર પડી કે આજે નેશનલ ફાયર ડે છે, જે નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ આગ લાગવાના સમયે કયા પ્રકારની તકેદારી રાખવી તે અંગેની જાણકારી પણ ફાયર વિભાગના જવાનો દ્વારા રેલી દરમિયાન લોકોને આપવામાં આવી હતી.
ડેમોસ્ટ્રેશન અને મોકડ્રીલનું આયોજન : વાપી નોટિફાઇડ વિસ્તારમાં આવેલા હરિયા હોસ્પિટલ ક્ષેત્રમાં મોકડ્રીલ અને ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન આગ લાગવાની મોટી ઘટના બને ત્યારે કઈ રીતે લોકોનો બચાવ કરી શકાય, ભોગ બનનાર લોકોએ કઈ રીતે પોતાનું સ્વ-રક્ષણ કરવું તેમજ અન્યનું સંરક્ષણ કેવી રીતે કરવું તે અંગેની પણ જાણકારી આપવામાં આવી હતી.
આ સાથે સાથે આગના સમયે કયા પ્રકારની તકેદારી રાખવી જેથી આગ ઉપર કાબુ મેળવી શકાય જેવી અનેક નાની-નાની બાબતોનું ડેમોસ્ટ્રેશન કરી અત્યાધુનિક ફાયરની ગાડી દ્વારા બહુમાળી મકાનમાં લાગેલી આગમાંથી લોકોને કેવી રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢવા તે અંગેની પણ જાણકારી આપવામાં આવી હતી.