નડિયાદઃ નડિયાદમાં તસ્કરોએ તરખાટ મચાવતાં રહેણાંક મકાનને નિશાન બનાવી મોટી ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં બહુચર્ચિત સિરપકાંડના જેલમાં બંધ મુખ્ય આરોપી યોગેશ સિંધીના ઘરેથી રોકડ રકમ રૂ.80 લાખ તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.1,02,64,500 ના મુદ્દામાલની ચોરી કરી તસ્કર ફરાર થઈ ગયા હતા. પરિવારના લોકો લગ્નમાં ગયા હતા. ત્યારે મોડી રાત્રે તસ્કરો ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં ઘુસ્યા હતા. તિજોરી અને કબાટમાં રહેલો તમામ મુદ્દામાલ ચોરી ગયા હતા. ઘટનાને લઈ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલિસ દ્વારા ત્રણ અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મોટી ઘરફોડ ચોરીની ઘટનાને લઈ શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. નડિયાદના કપડવંજ રોડ પર આવેલી પ્રભુકૃપા સોસાયટીના મકાન નંબર સી/8માં રહેતા સુનીતાબેન યોગેશ ઉર્ફે યોગી સીંધી (ઉ.વ.42) ના ઘરે ચોરીની ઘટના બની હતી.

જેમનો પતિ સિરપકાંડના મામલામાં હાલ જેલમાં છે. તેઓ તેમના બે સંતાનો સાથે લગ્ન પ્રસંગમાં ગયા હતા. જ્યાંથી મોડી રાત્રે પરત આવતા ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું.

કુલ રૂ.1.2 કરોડના મુદ્દામાલની ચોરી
ઘરમાં સરસામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. તિજોરી, પેટી પલંગ અને મંદિરમાંથી તસ્કરો રોકડ રૂ.80 લાખ, રૂ.22,14,500 ની કિંમતના સોનાના દાગીના અને રૂ.50,000 ની કિંમતના ચાંદીના દાગીના મળી કુલ રૂ.રૂ.1,02,64,500 ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ચોરીની સમગ્ર ઘટના ઘરના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જેમાં ત્રણ તસ્કરો ચોરીનો મુદ્દામાલ લઈ જતા જોવાય છે. જે ફૂટેજ કબ્જે લઈ પોલીસ દ્વારા ત્રણ અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.

પુત્રને વિદેશ જવાનું હોવાથી અને પતિનો કેસ ચાલતો હોવાથી મોટી રકમ ઘરમાં હતી
ફરીયાદમાં મોટી રોકડ રકમ બાબતે ફરિયાદી સુનિતાબેન દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.જેમાં મહિલાએ પુત્રને સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા મોકલવાનો છે. તેમજ તેમના પતિનો કેસ ચાલી રહ્યો છે. જેને કારણે રૂપિયાની જરૂર પડે એમ હોવાથી મોટી રોડક રકમ લાવીને ઘરમાં રાખી હોવાનું જણાવાયું હતું.