બારડોલી, સુરત: બારડોલીના તલાવડી મેદાન વસાહતમાં રહેતી પરવીન શેખ નામની મુસ્લિમ પરિણીતાને છેલ્લા ઘણા વખતથી સાસરિયાઓ શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. પતિ, સાસુ અને નણંદે જમવાનું બનાવવા બાબતે પરિણીતા સાથે ઝઘડો કર્યો હતો અને ત્યાર બાદ તેની સાથે મારપીટ કરી હતી.
પરિણીતા તલાવડી મેદાન મસ્જિદના ઓટલા પર બેઠી હતી, ત્યાં પતિ, સાસુ અને નણંદ સહિત ત્રણેય જણા પહોંચ્યા હતાં અને પરિણીતાને ઢીકાપાટુંનો ઢોર માર મારીને ચોટલા સાથે વાળ પકડી નીચે પાડી દીધી અને છાતીના ભાગે ઉપરાછાપરી લાતો મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
જાહેરમાં બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસે પતિ સાસુ અને નણંદ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. મળતી વિગતો પ્રમાણે બારડોલી તલાવડી મેદાન વસાહતમાં રહેતી પરવીન વસીમ ગુલામ શેખ નામની પરિણીતાને તેના પતિ વસીમ ગુલામ શેખ, સાસુ રૂકશાના ગુલામ શેખ તેમજ તેની નણંદ યાસમીન ઈમરાન શેખ છેલ્લાં ઘણા સમયથી શારીરિક-માનસિક રીતે ત્રાસ આપતા હતા. તેઓ પરિણીતાને ગાળો આપતા હતા.

પરિણીતાની નણંદ યાસમીન ઈમરાન શેખ તેના પતિ સાથે અણબનાવ થતા છ માસથી તેના સંતાન સાથે તલાવડી મેદાન ખાતે તેના પિયરમાં રહેવા આવી હતી અને ત્યારથી પતિ, સાસુ અને નણંદ કોઈને કોઈ બાબતે પરવીન સાથે ઝઘડો કરતા અને મહેણાં-ટોણાં મારતા હતા. ઝઘડો શરૂ કરતા યાસમીન ત્રાસીને તલાવડી મસ્જિદના ઓટલા ઉપર બેઠી હતી તે દરમિયાન ત્યાં પહોંચીને યાસમીન શેખને તેની સાસુ રૂકશાના શેખે જમવાનું બનાવવા બાબતે મહેણાં-ટોણાં મારી ગાળો આપવાની શરૂ કર્યુ હતું.

નણંદ યાસમીન ઈમરાન શેખે પણ ત્યાં આવીને પરવીનને ઢીકા અને મુક્કાનો માર મારી ચોટલો ખેંચી ઓટલા ઉપરથી નીચે પછાડી છાતીના ભાગે લાત મારવાનું ચાલુ કર્યું હતું અને સાસુએ પણ તેણીને મારવાનું ચાલુ કર્યું હતું. આ દરમિયાન પરિણીતાનો પતિ વસીમ ગુલામ શેખ પણ ત્યાં આવી પહોંચ્યો હતો અને તેણે પણ પોતાની પત્ની પર હાથ સાફ કર્યો હતો. ઢોર મારના કારણે પરિણીતાનીનું ત્યાં જ મોત નીપજ્યું હતું આમ મારામારીનો બનાવ હત્યામાં પરિણમ્યો હતો. ઘટનાથી તલાવડી વસાહતમાં ભારે ચકચાર મચી ગઈ છે.

ઘટનાની જાણ થતા સ્થળ પર પહોંચી ગયેલી પોલીસે હત્યાનો ભોગ બનેલી પરવીન શેખની લાશનો કબજો લઈ મરનાર પરિણીતાના ભાઈ નિશાળભાઈ રસિદભાઈ પઠાણ (રહે. વ્હોરવાડ, બારડોલી)ની ફરિયાદ લઈ આરોપી નણંદ યાસમીન ઈમરાન શેખ, સાસુ રૂકશાના ગુલામ શેખ અને રિક્ષાચાલક પતિ વસીમ ગુલામ શેખ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તમામની ધરપકડ કરી છે.