ભરૂચમાં 'બત્તી ગુલ' કાર્યક્રમથી વકફ બિલનો વિરોધ, મુસ્લિમ સમુદાયની શાંતિપૂર્ણ અપીલ
યુવાનોએ સોશિયલ મીડિયા દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવા શાંતિપૂર્ણ વિરોધ માટે પ્રેરણા આપી હતી.

Published : May 1, 2025 at 6:22 PM IST
ભરૂચ: ભરૂચ શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક મુસ્લિમ સમુદાયે વકફ બોર્ડ બીલના વિરોધમાં ‘બત્તી ગુલ’ કાર્યક્રમ યોજ્યો હતો. આજે રાત્રે 9:00 થી 9:15 સુધી શહેરના અનેક વિસ્તારમાં રહેણાંક ઘરો, દુકાનો અને મસ્જિદોની લાઇટો બંધ રાખવામાં આવી હતી.
આ કાર્યક્રમનો હેતુ કેન્દ્ર સરકાર દ્વારા વકફ બીલ મુદ્દે લેવાયેલા નિર્ણય સામે અસંતોષ વ્યક્ત કરવાનો હતો. મુસ્લિમ સમાજે આ બિલને પોતાના ધાર્મિક અને સામાજિક હિતોને નુકસાનકારક ગણાવ્યો છે. સમુદાયના આગેવાનો માને છે કે આ બિલ વકફ સંપત્તિઓ પર રાજ્યનો વધતો કબજો સુનિશ્ચિત કરે છે અને સ્થાનિક વકફ બોર્ડની સ્વતંત્રતાને ખતમ કરી શકે છે.
કોઈ અનિચ્છનીય ઘટના નોંધાઈ નહીં: વિરોધ પ્રદર્શન દરમિયાન સમગ્ર શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જળવાયો હતો. ન તો કોઈ અપરિહાર્ય ઘટના નોંધાઈ કે ન તો પોલીસનું કોઈ મોટું દખલ આવશ્યક બન્યું. લોકો પોતાના ઘરમાંથી જ કાર્યક્રમમાં ભાગ લઈને પ્રદર્શન કર્યું હતું.
સમુદાયના આગેવાનોની આગવી અપીલ: પ્રદર્શનમાં સામૂહિક રીતે જોડાયેલા સમુદાયના આગેવાનોએ જણાવ્યું હતું કે, "આ કાર્યક્રમનો હેતુ કોઈ વિવાદ ઊભો કરવો નથી, પણ સરકાર સુધી અમારી લાગણીઓ અને ચિંતાઓ પહોંચાડવાનો છે. અમે માંગ કરીએ છીએ કે સરકાર વકફ બિલ પર પુનર્વિચાર કરે અને મુસ્લિમ સમુદાયના હિતો સાથે ન્યાય કરે."
લોકોના પ્રતિસાદ અને સહકાર: શહેરના વિવિધ વિસ્તારોમાંથી મળતી માહિતી મુજબ, ‘બત્તી ગુલ’ કાર્યક્રમને વ્યાપક સહયોગ મળ્યો હતો. ખાસ કરીને યુવાનોએ સોશિયલ મીડિયા દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવા શાંતિપૂર્ણ વિરોધ માટે પ્રેરણા આપી હતી.
જનતંત્રમાં શાંતિપૂર્ણ વિરોધનો ઉત્તમ દાખલો: ભરૂચના મુસ્લિમ સમુદાય દ્વારા યોજાયેલ આ કાર્યક્રમ એક લોકશાહી પદ્ધતિથી વિરોધ નોંધાવવાનો ઉત્તમ દાખલો બન્યો છે. તેમનું અહિંસક અને સંયમ ભર્યું વલણ અન્ય સમાજ માટે પણ પ્રેરણાદાયી સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો:

