અમદાવાદ : પૌરવી જોશી, આ નામ ઘણા લોકો માટે નવું હશે અને ઘણા લોકો આ નામને ઓળખતા પણ હશે. પરંતુ બધા ગુજરાતીઓ ધ્રુવ ભટ્ટનું ' અકુપાર' નાટક તો જોયું જ હશે અને 'અકુપાર'માં લાજોનું પાત્ર પણ યાદ હશે. તે લાજોના પાત્રને જીવંત બનાવનાર અભિનેત્રી એટલે પૌરવી જોશી.
એક પાત્રના રિપ્લેસમેન્ટથી એક્ટિંગની શરૂઆત : પૌરવી જોશી પોતાના એક્ટિંગ કેરિયરની શરૂઆત વિશે વાત કરતા જણાવે છે કે, "સૌમ્ય જોશીનું એક નાટક હતું 'દોસ્ત ચોક્કસ, અહીં નગર વસ્તુ હતું" તેમાં હેપી ભાવસાર એક પાત્ર ભજવતા હતા. પરંતુ અમુક કારણોસર તેઓ આ પાત્ર નહોતા ભજવી શકવાના. ત્યારે હું રોજ નાટકના સેટ પર જતી હતી તેથી મને તે પાત્રના ડાયલોગ યાદ હતા. હવે કોઈ નવા એક્ટરને બધા ડાયલોગ યાદ કરાવવા કરતા મને બધા ડાયલોગ યાદ હતા તે માટે મેં જ તે પાત્ર ભજવ્યું."
બીજાના ઘરે કામ કરવાથી કામ આપવા સુધીની સફર : પૌરવી જોશી જણાવે છે કે, આર્થિક પરિસ્થિતિ થોડી ખરાબ હતી. આથી તેઓ બીજાના ઘરે રસોઈ અને કચરા-પોતા માટે પણ જતા હતા. પહેલા શરમ પણ આવતી, કચરા પોતા કરે ત્યારે બારી-દરવાજા બંધ કરી દેતા હતા, પરંતુ પછી વિચાર આવ્યો કે કોઈ કામ નાનું નથી હોતું. પોતાના પરિશ્રમ અને મહેનતથી આજે તેઓ ફિલ્મો અને નાટકો પણ કરે છે, સીરીયલ્સમાં પણ કામ કરે છે. ઉપરાંત પોતાની શાળા ચલાવે છે, કોસ્ચ્યુમ ડિઝાઈનર છે અને પોતાનો ફેશન સ્ટુડિયો શરુ કરી ત્યાં બીજા લોકોને કામ પણ આપે છે.
અકૂપારના પાત્ર "લાજો"થી મળી ઓળખ : મોટાભાગે અભિનેતાઓ અને અભિનેત્રીઓના જીવનમાં કોઈ એવું પાત્ર હોય છે, જે તેના જીવન સાથે જોડાયેલું હોય છે. આવું જ કંઈક પૌરવી સાથે પણ થયું જે અંગે તેઓ જણાવે છે કે, નાટકમાં સૌથી વધુ ઓળખ મળી હોય તો તેવા નાટક એટલે 'ચલતા ફિરતા બંબઈ' અને 'અકૂપાર'. અકૂપાર નાટકમાં લાજોનું પાત્ર તેમના જીવન સાથે જોડાયેલું હતું. તેમના જીવનમાં જે ગતિવિધિઓ કે ઉતાર-ચડાવ આવતા, તેવા જ ઉતાર ચઢાવ લાજોના પાત્રમાં પણ હતા. આથી તેઓ લાજોના પાત્ર સાથે લાગણીના સંબંધે બંધાઈ ગયા અને લાજોના પાત્રને જીવવા લાગ્યા.
દીકરાએ આંગળી પકડીને એક્ટિંગ તરફ પાછા વાળ્યા : પૌરવી જોશી જણાવે છે કે, 1999 માં હિતેન કુમારની ફિલ્મ "દીકરી મારી વહાલનો દરિયો" નામની ફિલ્મ આવી, તેમાં પહેલી વખત કામ કર્યું હતું. ત્યારબાદ પારિવારિક જવાબદારીઓ અને બાળકોના ઉછેર માટે તેઓ 15 વર્ષ સુધી એક્ટિંગથી દૂર રહ્યા.
પૌરવી જોશીના દીકરાએ તેમને કહ્યું કે "હવે મારું 12th પણ પૂરું થઈ ગયું છે તમને એક્ટિંગનો શોખ છે, તમે ફરી એક્ટિંગ કરો". ત્યારબાદ પૌરવી જોશી ફરી એક્ટિંગ તરફ વળ્યા અને ગુજરાતી ફિલ્મ જગતનો એક વળાંક ગણાતી 'બે યાર' ફિલ્મથી કમબેક કર્યું. ત્યારબાદ પ્રેમજી, છેલ્લો દિવસ એમ અઢળક ફિલ્મો કરી અને હજુ પણ આ યાત્રા યથાવત છે.