કચ્છ : સ્વામિનારાયણ સંપ્રદાયના સંત દ્વારા દ્વારકાધીશ વિશે ટિપ્પણી મુદ્દે સર્જાયેલ વિવાદમાં હવે કચ્છના મોગલધામ મંદિરના મહંત મણીધર બાપુ પણ મેદાને આવ્યા છે. આગામી બે દિવસ સુધી ઉપવાસ કરશે તેમ કહેતા મણીધર બાપુએ જણાવ્યું કે, જો જરૂર પડશે તો સ્વામિનારાયણ મંદિરની સામે બેસીને આ વિરોધને વધુ ઉગ્ર બનાવીશું.
દ્વારકાધીશ વિશે ટિપ્પણી વિવાદ : દ્વારકાધીશ વિશે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે કરેલી અભદ્ર ટિપ્પણીને કારણે હિંદુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હિન્દુ દેવી-દેવતાઓ વિરુદ્ધ વારંવાર અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે, જે હિન્દુ ધર્મના શ્રદ્ધાળુઓ માટે અસહ્ય બની ગયું છે. આ મુદ્દાને લઈને કચ્છ જિલ્લાના કબરાઉ સ્થિત મોગલ ધામ મંદિરના સંત મણીધર બાપુએ ઉપવાસ આરંભ્યો છે.
મહંત મણીધર બાપુ ઉપવાસ બેઠા : દ્વારકાધીશ વિશે ટિપ્પણી વિવાદ મુદ્દે કચ્છના મોગલધામ મંદિરના મહંત મણીધર બાપુ પણ મેદાને આવ્યા છે. આગામી બે દિવસ સુધી ઉપવાસ કરશે તેમ કહેતા મણીધર બાપુએ જણાવ્યું કે, હાલમાં મોગલ ધામ ખાતે ઉપવાસ કરું છું, જરૂર જણાશે તો સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પણ ઉપવાસ પર બેસશે.
"હિંદુ દેવી-દેવતાઓની વિરુદ્ધ વાત કરે, તે રાક્ષસ સમાન" : મહંત મણીધર બાપુ
મણિધર બાપુએ પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, સનાતન ધર્મમાં રહી જેઓ હિંદુ દેવી-દેવતાઓની વિરુદ્ધ વાતો કરે છે તેઓ રાક્ષસ સમાન છે. આ મુદ્દે હિન્દુ સમાજે તાત્કાલિક યોગ્ય પગલા લેવાની માંગ ઉઠાવી છે. આ પ્રકારની ટિપ્પણીઓ કરવાની પ્રથા બંધ થાય તે માટે સત્તાધીશો અને સંબંધિત સંસ્થાઓએ કડક કાર્યવાહી કરવી જોઈએ.
"આ ધર્મયુદ્ધ છે, હવે સનાતન ધર્મ માટે આગળ આવો" : મહંત મણીધર બાપુ
કબરાઉ મોગલ ધામના મહંતે જણાવ્યું હતું કે, તેઓ મોગલધામ ખાતે સંતો સાથે મળીને અનશન પર બેસશે. હવે હિન્દુ સમાજના દેવી દેવતાઓ પર થતા ટિપ્પણીઓ સહન થતી નથી. જગતના નાથ એવા શ્રીકૃષ્ણ ભગવાનને લઈને ટિપ્પણીઓ ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. હવે ધર્મ યુદ્ધ છેડાઈ ચૂક્યું છે અને સરકારે આ બાબતે નિર્ણય લેવો પડશે. બે દિવસ સુધી મોગલ ધામ ખાતે ઉપવાસ પર બેસશે, પછી જરૂર જણાશે તો સ્વામિનારાયણ ગુરુકુળમાં પણ ઉપવાસ કરવામાં આવશે.