નવસારીઃ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મટવાડ અને સામાપોર ગામમાં હનુમાન જયંતી નિમિત્તે આયોજિત મહાપ્રસાદ પછી 100થી વધુ લોકોને આરોગ્ય સંબંધિત વિવિધ સમસ્યાઓની ફરિયાદ થવા લાગી હતી.
સૌથી વધુ અસર બાળકો પર જોવા મળી છે, જ્યાં લગભગ 70-80 બાળકો ઝાડા અને ઉલટી જેવી તકલીફોથી પીડિત થયા છે. સ્થળ પર પ્રાથમિક સારવાર માટે તાત્કાલિક આરોગ્ય વિભાગની ટીમ મોકલવામાં આવી હતી.
કેવી રીતે બની ઘટના?
અધિકારીઓના જણાવ્યા મુજબ, બંને ગામમાં એક જ કેટરિંગ સંચાલક દ્વારા પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં છાશ અને રસ પીરસવામાં આવ્યો હતો. આ આહારને તબિયત બગડવાના મુખ્ય કારણ તરીકે માનવામાં આવી રહ્યું છે.

તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી
આરોગ્ય વિભાગની ટીમે મટવાડ, સામાપોર અને આસપાસના ગામોમાં રાતભર મુલાકાત લઈને દર્દીઓને જરૂરી સારવાર પૂરી પાડી હતી. ખૂબજ ગંભીર સ્થિતિમાં કોઈ દર્દી ન હોવા છતાં, દરેકને જરૂરી તબીબી મદદ પૂરી પાડવામાં આવી હતી અને મોટાભાગના લોકોને ઘરે મોકલી દેવામાં આવ્યા છે.

ફૂડ સેમ્પલ લેવામાં આવ્યા
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ સ્થળે જઇ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લઈને તપાસ શરૂ કરી છે. આ ઘટનાની વધુ વિગતો અને કારણો વિશ્લેષણ પછી જાણી શકાશે.
હનુમાન જયંતીના પ્રસંગે હનુમાનજીના મંદિરે મહાપ્રસાદમાંથી ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી. પ્રસાદમાં છાશ અખાદ્ય હોવાનું જણાયું છે. આ ઘટનામાં લગભગ 100 જેટલાં લોકોન ફૂડ પોઈઝનિંગથી અસરગ્રસ્ત થયા હતા, જેમાં બાળકો પર વધુ પ્રભાવ જોવા મળ્યો હતો. રાત્રે તમામ લોકોને તાત્કાલિક સારવાર આપીને તેમને રજા આપી દેવામાં આવી છે. હાલ પરિસ્થિતિ સામાન્ય છે અને આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા છે. -રમેશભાઈ હળપતિ, સરપંચ, મટવાડ ગામ
અંદાજે 5000 લોકોએ પ્રસાદ લીધો હતો, જેમાંથી કેટલાક લોકોને ઉલ્ટી જેવી તકલીફ થઈ હતી. પરિણામે વિવિધ મેડિકલ ટીમો મોકલવામાં આવી હતી. આમાં 100થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી. અમારી ટીમ મોડી રાત સુધી કાર્યરત રહી. હાલ તમામની તબિયત સારી છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે, વાસી ખોરાકનો ઉપયોગ ટાળવો જોઈએ અને આવી ઘટના બને તો તાત્કાલિક આરોગ્ય વિભાગને જાણ કરવી જોઈએ. -ભાવેશ પટેલ, આરોગ્ય અધિકારી