વિસાવદર: વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં આજે મોટા કોટડા ખાતે વડગામના ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણીએ જાહેર સભાને સંબોધી હતી. જેમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસના નેતાઓએ ભાજપ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા અને બંને પક્ષ ભારતના સંવિધાનને નુકસાન કરીને પોતાની તાનાશાહી રૂપી સરકારી વ્યવસ્થા ઊભી કરવા માંગે છે તેવા લોકોને જાકારો આપવા ઉપસ્થિત સૌ મતદારોને જીગ્નેશ મેવાણી અને શક્તિસિંહ ગોહિલે વિનંતી કરી હતી.
મોટા કોટડા ખાતે જીગ્નેશ મેવાણીની ચૂંટણી સભા યોજાઈ
વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં આવતા મોટા કોટડા ખાતે આજે વડગામના ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણી અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં ચૂંટણી સભાનું આયોજન થયું હતું. આજે યોજાયેલ ચૂંટણી સભામાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ ભાજપ અને આમ આદમી પાર્ટીને આડે હાથ લીધી હતી. જીગ્નેશ મેવાણી પહેલા આમ આદમી પાર્ટી અને ત્યાર બાદ ભાજપને આડે હાથ દીધી હતી. તેમણે કહ્યું કે, જ્યારે ગુજરાતમાં કોઈ અપ્રિય ઘટના ખાસ કરીને દલિત અને આદિવાસી સમાજના લોકો ઉપર થાય છે. ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો લાજ કાઢીને બેઠા હોય છે. આવી સ્થિતિમાં એકમાત્ર કોંગ્રેસ પક્ષના નેતાઓ અને રાહુલ ગાંધી સહિત સમગ્ર રાષ્ટ્રીય કોંગ્રેસ કચડાયેલા અને દબાયેલા વર્ગની ચિંતા કરે છે. ત્યારે આ ચૂંટણીમાં આવા લોકોને ઓળખીને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં મતદાન કરવાની સૌ લોકોને અપીલ કરી હતી.

ભાજપ અને આમ આદમી પાર્ટીને પડકાર
જીગ્નેશ મેવાણીએ આમ આદમી પાર્ટી અને ભાજપને મોટા કોટડાની ચૂંટણી સભાથી પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, ભાજપ અને આમ આદમી પાર્ટીનો કોઈપણ કાર્યકર ચૂંટણી લડતાં ઉમેદવારો કે તેના રાષ્ટ્રીય નેતાઓ વિસાવદર વિધાનસભા બેઠકના કોઈ પણ ગામ પરથી દલિતો, પછાતો, શોષીતો, આદિવાસીઓ અને લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારો પર એક શબ્દ બોલે. આ પ્રકારની ચેલેન્જ જીગ્નેશ મેવાણીએ ભાજપ અને આમ આદમી પાર્ટીને આપી હતી. આજની સભામાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે 'જય ભીમ, જય હિન્દ'ના નવા નારાનો ઉદ્ઘોષ પણ કર્યો હતો જેનો ઉપસ્થિત સૌ નેતાઓએ પુનરોચાર પણ કર્યો હતો.

આ પણ વાંચો: