મહેસાણા: ઉનાળાની ઋતુ દરમિયાન રવિ પાકો તેમજ અન્ય મસાલાનો પાક સારા પ્રમાણમાં થાય છે. ઉપરાંત આવા પાકો સારા પ્રમાણમાં થતાં વિવિધ જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં તેની આવક જોવા મળતી હોય છે. જ્યારે ઊંઝા માર્કેટ યાર્ડમાં હાલમાં જીરું, વરિયાળી, ઇસબગુલ સહિતની જણસીની 70,000 થી 80,000 બોરીની આવક નોંધાઈ રહી છે, જેનાથી ઊંઝા માર્કેટ યાર્ડ વિવિધ માલોથી ઉભરાયું છે.
મળતી માહિતી અનુસાર, ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાની 30,000, ઇસબગુલની 25,000 અને વરિયાળીની 12,000 થી 15,000 ની આવકો ઊંઝા માર્કેટ યાર્ડમાં નોંધાઈ રહી છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાનો ભાવ પહેલા 4000 રૂપિયાની આસપાસ મળતો હતો, જ્યારે હવે તેનો ભાવ 5000 રૂપિયા આસપાસ મળી રહ્યો છે.
બીજું બાજુ વરિયાળીમાં જો વરિયાળી લીલી હોય તો સારો ભાવ મળી રહ્યા છે. જેમાં ઉચ્ચતમ 6000 સુધીના ભાવ મળી રહ્યા છે. જ્યારે કલર વગરની વરિયાળીના ભાવ 2000 આસપાસ બોલાઈ રહ્યા છે. ઇસબગુલની વાત કરીએ તો તેનો 2400 થી લઈને 2800 સુધી ભાવ ચાલી રહ્યો છે. વેપારીઓ આ મામલે માની રહ્યા છે કે, આગામી દિવસોમાં હજુ જીરું, વરિયાળી, ઇસબગુલના ભાવ વધવાની શક્યતા છે.

પકોના વધતા ભાવના મુદ્દે ઊંઝા એપીએમસી (apmc)ના સેક્રેટરી ઉજાસ આચાર્યએ જણાવ્યું હતું કે, 'કુલ જોવા જઈએ તો 70 થી 75 હજાર બોરીઓની આવક જોવા મળી રહી છે. જેમાં જીરાની બોરીઓની આવક 30,000, ઈસબગુલ 25,000, વરિયાળી બોરીઓની 12000 થી 15,000 આવક થઈ છે. ભાવની વાત કરીએ તો જીરામાં 50 થી 70 રૂપિયાની તેજી છે.'

ઊંઝાના વેપારી કનુભાઈ પટેલ જણાવે છે કે, 'જીરાના ભાવ પહેલા જે ઘટી ગયા હતા તે હવે ફરી વધી ગયા છે. જોકે આગળ જીરામાં હજુ 500 થી 700 રૂપિયા ભાવ વધી શકે છે. જ્યારે વરિયાળી અને ઇસબગુલમાં પણ થોડી ઘણી તેજી આવશે. જ્યારે ગઈ સાલ કરતાં આ વર્ષે ઉત્પાદનમાં ઘટાડો થયો છે. પરિણામે આગામી દિવસોમાં ભાવ ચોક્કસ પણે વધી શકે છે.'
આ પણ વાંચો: