જૂનાગઢ: ઈન્દોરની મહારાણી અહલ્યાબાઈ હોળકરની આજે 300મી જન્મજયંતી છે. 31 મે, 1725 માં જન્મેલા અહલ્યાબાઈ હોળકર પોતાના બુદ્ધિ, ચાતુર્ય અને હિંમત માટે ખૂબ જાણીતા છે. તેમણે રજવાડાઓના વિકાસ માટે 17મી સદીમાં ખૂબ મોટું કામ કર્યું હતું. મરાઠા શાસન દરમિયાન 17મી સદીમાં અહલ્યાબાઈ હોળકર રાજ્ય સત્તા અને ધર્મને લઈને ખૂબ જાગૃત હતા. તેમણે કાશી અને સોમનાથ શિવ મંદિરની પ્રતિજ્ઞા લઈ મંદિરનું નવનિર્માણ કાર્ય પૂર્ણ કરાવ્યું હતું.
ભારતમાં પ્રખ્યાત શિવ મંદિરો કે છે 17મી સદી કે તેની પહેલા બન્યા હતા આવા મોટાભાગના શિવ મંદિરોના નવનિર્માણ માટે પણ અહલ્યાબાઈ હોળકરે ખૂબ મોટું અને વિશાળ કામ કર્યું છે.

મહારાષ્ટ્રના સામાન્ય પરિવારમાં લીધો જન્મ:
અહલ્યાબાઈ હોલકરનો જન્મ મહારાષ્ટ્રના નાનકડા એવા ગામમાં થયો હતો. તેમના લગ્ન ખંડેરાવ હોલકર સાથે થયા હતા, જે પ્રસિદ્ધ મરાઠા સરદાર મલ્હારરાવ હોલકરના પુત્ર હતા. અહલ્યાબાઈના પતિના અવસાન બાદ તેમણે ઈન્દોરની રાજગાદી સાંભળી અને સફળ શાસન કરીને ઇન્દોરની પ્રજાને સારી કર વ્યવસ્થા પૂરી પાડી હતી. અહલ્યાબાઈના શાસન દરમિયાન ન્યાય પ્રણાલી પણ મજબૂત કરવામાં આવી હતી.

17મી સદીમાં ઇન્દોર રાજ્યમાં વાહન વ્યવહાર માટે રોડ અને તેને લગતી વ્યવસ્થાઓ પણ અહલ્યાબાઈ હોળકરના સત્તાકાળ દરમિયાન બનાવવામાં આવી હતી. અહલ્યાબાઈ હોળકર કાયદો અને વ્યવસ્થા તંત્રની સાથે ધર્મ અને સંસ્કૃતિને લઈને પણ આટલા જ સજાગ હતા. પરિણામે તેમના સમયકાળ દરમિયાન અનેક મંદિરો, ઘાટ અને સ્મારકો બનાવવામાં આવ્યા કે જે ભારતની સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરા સાથે જોડાયેલા હતા.

મરાઠા સરદાર તરીકે યુદ્ધમાં લેતા આગેવાની:
અહલ્યાબાઈ હોળકર જેટલા પ્રજા વત્સલ રાજમાતા હતા તેવી જ રીતે તેઓ પોતાના રાજ્યની સુરક્ષા માટે પણ આટલા જ સજાગ અને હિંમતવાન હતા. સાથે જ કોઈ પણ વાતનો સચોટ જવાબ આપવા માટે પણ તેઓ જાણીતા હતા. તેમના શાસનકાળ દરમિયાન થતી સૈનિક કાર્યવાહી કે યુદ્ધના સમયમાં પોતાના સૈનિકોનું મનોબળ વધે તે માટે તેઓ સેનાની આગેવાની કરીને યુદ્ધના મેદાનમાં પણ આગળ જોવા મળતા હતા. પોતાની પ્રજા માટે સતત ઉત્સુક અને સતત લડતા રાજમાતા અહલ્યાબાઈ હોળકરને બ્રિટિશરો પણ સલામ કરતા હતા.
મંદિરો બનાવતા રાજમાતા એટલે અહલ્યાબાઈ હોળકર:
અહલ્યાબાઈ હોળકરને મંદિરો માટે સમર્પિત રાજમાતા તરીકે ઇતિહાસમાં આજે પણ યાદ કરવામાં આવે છે. અહલ્યાબાઈ હોળકરે તેના જીવનકાળમાં અનેક મંદિરો, ઘાટ અને ધર્મશાળા સમગ્ર ભારત વર્ષમાં બનાવી હતી. જેમાં મોટા ભાગના મંદિરો તરીકે તેમણે શિવ મંદિરોનું નિર્માણ અને પુનઃ નિર્માણ કરાવ્યું હોવાનો ઇતિહાસમાં નોંધાયેલ છે.

કાશી વિશ્વનાથ મંદિર કે જે આજના આધુનિક વારાણસીમાં બિરાજમાન છે, તે મંદિર અહલ્યાબાઈ હોળકર દ્વારા 1780 માં પુનઃ નિર્માણ કરાવવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, કાશી વિશ્વનાથ મંદિરને મુઘલ શાસનમાં ધ્વંશ કરી દેવામાં આવ્યું હતું. આ મંદિરને અહલ્યાબાઈ હોળકરે ફરીથી નવનિર્મિત કરાવીને શિવ પ્રત્યે પોતાની આસ્થા પ્રગટ કરી હતી.
સોમનાથ મંદિરનું નવનિર્માણ પણ અહલ્યાબાઈ હોળકરના હસ્તે:
મહંમદ ગજની દ્વારા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરને ધ્વંશ કર્યા બાદ શિવભક્તોની શિવ પ્રત્યેની આસ્થા અતૂટ અને અકબંધ રહે તે માટે અહલ્યાબાઈ હોળકરે 17મી સદીમાં ધ્વંશ થયેલા મંદિરની બિલકુલ સામે શિવ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. અહલ્યાબાઈ હોળકરે સોમનાથમાં જે શિવ મંદિર બનાવ્યું છે, તેને સોમનાથ મંદિરની પ્રતિકૃતિ રૂપે આજે પણ અહલ્યાબાઈ હોળકર દ્વારા નિર્મિત શિવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે.

કેટલીક પૌરાણિક માન્યતા અનુસાર અહલ્યાબાઈ હોળકરે સોમનાથ મંદિરના મૂળ શિવલિંગને તેમણે બનાવેલા શિવ મંદિરમાં સ્થાપિત કરીને વિધર્મી આક્રમણકારીઓ સામે શિવલિંગને બચાવ્યું હતું. જે શિવલિંગ આજે પણ સોમનાથ અને અહલ્યાબાઈ હોળકર દ્વારા બનાવવામાં આવેલા શિવ મંદિરમાં શિવભક્તોની આસ્થાનું કેન્દ્ર પણ બની રહ્યું છે.
આ પણ વાંચો: