દાહોદ: દેવગઢબારિયા અને ધાનપુર તાલુકા પંચાયત હસ્તકના ગામોમાં મનરેગા યોજના હેઠળ કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવા મામલે આજે પોલીસે મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને તત્કાલિન TDOની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા. જે બાદ કોર્ટે તેમના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા દેવગઢબારિયા અને ધાનપુર તાલુકા પંચાયત હસ્તક માનરેગા યોજના હેઠળ 71 કરોડ રૂપિયાના કામોમાં ગેરરીતિ થઈ હોવાની દાહોદ બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. જેમાં કસૂરવાર આધિકારી અને કર્મચારીઓ તેમજ 35 જેટલી એજન્સીના નામ આપવામાં આવ્યા હતા. જે ફરિયાદના આધારે દાહોદના ડીવાયએસપી જગદીશ ભંડારીને તપાસ સોપાઈ હતી અને સૌ પ્રથમ બે એકાઉન્ટન્ટ સહિત પાંચ કર્મચારીની ધરપકડ થઈ હતી. તે તમામના રિમાન્ડ પૂર્ણ થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
જ્યારે તપાસ દરમિયાન ગુજરાત સરકારના કૃષિ અને પંચાયત વિભાગના મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડની પણ રાજ કન્સ્ટ્રક્શન નામની એજન્સીમાં પણ 82 લાખ ઉપરાંતની રકમ આપવામાં આવી હતી. જે મામલે પોલીસે બળવંત ખાબડની ધરપકડ કરી છે તેમજ 2023 –2024 માં દેવગઢ બારિયા તાલુકા પંચાયતના ટીડીઓ તરીકે હતા અને હાલ ખેડા જિલ્લામાં ટીડીઓ તરીકે ફરજ બજાવતા તત્કાલિન ટીડીઓ દર્શન પટેલની પણ સંડોવણી સામે આવતા તેની પણ ધરપકડ કરવામાં આવી હતી અને બંન્નેને દાહોદ ની સેશન્સ કોર્ટમાં રજૂ કરી પોલીસે વધુ તપાસ માટે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પરંતુ નામદાર કોર્ટે બંનેના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
જ્યારથી મનરેગા કૌભાંડ સામે આવ્યું છે ત્યારથી મંત્રી બચુભાઈ ખાબડના બંન્ને પુત્રો કિરણ ખાબડ અને બળવંત ખાબડ બંને ભાઈઓના નામે બે અલગ અલગ એજન્સી આવેલી હોવાથી વિરોધ પક્ષોએ બંન્નેની ધરપકડ અને બચુભાઈ ખાબડનું મંત્રી પદેથી રાજીનામાંની માંગ ઉઠવા પામી હતી. હાલ એક પુત્રની ધરપકડ થઈ છે. જ્યારે બીજો પુત્ર કિરણ ખાબડ પણ ભૂગર્ભમાં ઉતરી ગયો છે. આવનારા સમયમાં કિરણ ખાબડની પણ ધરપકડ થઈ શકે તેવી શક્યતાઓ હાલ સેવાઇ રહી છે. આ ઉપરાંત અનેક અધિકારીઓની પણ સંડોવણી બહાર આવે તેવી શક્યતાઓ રહેલી છે હાલ મંત્રી પુત્રની ધરપકડને પગલે દાહોદ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે બચુભાઈ ખાબડ ના વિભાગ હસ્તક ની યોજના માં જ તેમના પુત્રો એ કૌભાંડ આચરતા સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે.
આ પણ વાંચો: