સુરત: સુરત એસઓજી પોલીસે ડ્રગ્સ કેસના મુખ્ય આરોપી અલ્ફાઝ ઉર્ફે ભૂરિયો ઈકબાલ ગુંડલિયાની ધોરાજીથી ધરપકડ કરી છે. આરોપી છેલ્લા બે મહિનાથી ધોરાજીમાં તેના માસીના ઘરે છુપાયેલો હતો.
સુરત એસઓજી પોલીસે ડ્રગ્સ કેસના મુખ્ય આરોપી અલ્ફાઝ ઉર્ફે ભૂરિયો ઈકબાલ ગુંડલિયાની ધોરાજીથી ધરપકડ કરી છે. આરોપી છેલ્લા બે મહિનાથી ધોરાજીમાં તેના માસીના ઘરે છુપાયેલો હતો.
ચાર મહિના પહેલા સુરતના સચિન કપલેથા ચેકપોસ્ટ પરથી ત્રણ આરોપીઓની 55.48 લાખના એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ ડ્રગ્સ અલ્ફાઝે મંગાવ્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસથી બચવા માટે તે દુબઈ ભાગી ગયો હતો.
ત્યાંથી સાઉથ આફ્રિકાના ઇથોપિયા દેશમાં ગયો હતો. પછી મુંબઈ આવીને ડોંગરી વિસ્તારની દરગાહમાં રોકાયો હતો. ત્યારબાદ અમદાવાદની શાહ-એ-આલમ દરગાહમાં રહ્યો હતો. પોલીસથી બચવા માટે તે હોટલમાં નહીં પણ દરગાહોમાં રહેતો હતો. કારણ કે હોટલમાં આઈડી પ્રૂફ આપવું પડે છે.
આરોપીએ છેલ્લા ચાર મહિનામાં લગભગ 7676 કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો. પોલીસ તેને શોધી ન શકે તે માટે મોબાઈલ ફોનનો ઉપયોગ પણ કરતો ન હતો. એસઓજીના અધિકારીઓએ હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તેને ઝડપી લીધો હતો.
સુરત શહેર SOG એ જણાવ્યું હતું કે, ઉપરોક્ત આરોપીને ઝડપી લેવા અમારી ટીમો કામે લાગી હતી. ત્યારે મળેલી બાતમીના આધારે ધોરાજી તાલુકાના ASPના નાસતા ફરતા સ્ક્વોડની મદદ લઈ આરોપી અલ્ફાઝ ઉર્ફે ભૂરિયો ઈકબાલ ગુંડલિયા (રહે. ફ્લેટ નં.101 અમન એપાર્ટ. નગરદાસની વાડી તાંતવાડ, શાહપુર લાલગેટ, સુરત)ને તેના સંબંધીના ઘરેથી ઊંઘતો દબોચી લીધો હતો. આરોપી વિરૂદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે ડી.સી.બી. પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો હતો.