સુરત : ઉમરપાડા તાલુકામાં મહારાષ્ટ્રના ખેડૂતોએ કરેલા અવૈધ દબાણનો પર્દાફાશ થયો છે. આ દબાણની જાણકારી એક કરુણ ઘટના બાદ સામે આવી. ગત વર્ષે એક 11 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના બની હતી.
બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા : 23 જૂન 2024 ના રોજ ઉમરપાડાના વડગામના જંગલમાં બાળકીનો મૃતદેહ મળ્યો હતો. આ ઘટનાની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જે વિસ્તારમાં બાળકી ગાયો ચરાવવા ગઈ હતી, ત્યાં મહારાષ્ટ્રના ખેડૂતો અવૈધ ખેતી કરી રહ્યા હતા.
જંગલમાં અવૈધ ખેતીનો પર્દાફાશ : વડગામ સહિત ચાર ગામની સીમમાં આવેલ જંગલ જમીન પર આ દબાણ થયું હતું. સ્થાનિક સરપંચ અને ગ્રામજનોએ વનવિભાગને ફરિયાદ કરી કે મહારાષ્ટ્રના લોકો 1000 હેક્ટર જંગલ જમીનમાંથી 500 હેક્ટર પર અવૈધ ખેતી કરી રહ્યા છે.
વન વિભાગ દ્વારા ખાસ ઓપરેશન શરૂ : વન વિભાગે આ મામલે ખાસ ઓપરેશન શરૂ કર્યું છે. અધિકારીઓએ દબાણકર્તાઓને સમજાવવાની કોશિશ કરી રહ્યા છે. જ્યાં દબાણ છે ત્યાં JCB મશીન દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ પ્રાકૃતિક જંગલને થતું નુકસાન અટકાવવા અને અવૈધ દબાણ દૂર કરવાનો છે.

અધધ 500 હેક્ટર પર અવૈધ ખેતી : વડપાડા ગામના સરપંચ જીવનભાઈ વસાવાએ જાણકારી આપતા જણાવ્યું હતું કે, ઉમરપાડા તાલુકાના ફોરેસ્ટ રેન્જના 1000 હેક્ટર જંગલ વિસ્તારમાં છેલ્લા 11 વર્ષથી મહારાષ્ટ્રના ખેડૂતો આવીને ખેતી કરી રહ્યા હતા. અમારા વિસ્તારમાં એક બાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના બની, આ ઘટના આ જ વિસ્તારમાં બની હતી. તેથી અમે તાત્કાલિક વન વિભાગ અને સ્થાનિક તંત્રને લેખિત રજૂઆત કરી હતી કે આ દબાણો દૂર કરવામાં આવે.

કાયદો શું કહે છે ? DCF ધીરજકુમારે જણાવ્યું કે, ઉમરપાડા તાલુકાના ચાર સ્થાનિક ગામ વડગામ, કાશી, ખોટા રામપુરા અને રૂડી ગવાના લોકોએ વન વિભાગને જાણકારી આપી હતી કે મહારાષ્ટ્રના લોકો આવીને અહીં ગેરકાયદેસર ખેતી કરે છે. કુલ 1000 હેક્ટર વિસ્તાર છે. 40-50%થી પણ વધારે અહીં બહારથી આવેલા લોકો ખેતી કરી રહ્યા છે. આ જંગલ વિસ્તાર છે. કાયદા મુજબ કોઈપણ વ્યક્તિ એક રાજ્યથી બીજા રાજ્યમાં જઈને ખેતી કરી શકે તે માટે કોઈપણ જોગવાઈ નથી.
સ્થાનિક લોકો, JFMC અને વન વિભાગના લોકો ત્યાં જઈને આ લોકોને સમજાવે છે. ધીમે ધીમે ત્યાંના બહારથી આવેલા ખેડૂતો જઈ રહ્યા છે. આ લોકોએ 300 થી 400 હેક્ટર જમીન પર દબાણ કર્યું હતું અને ત્યાં ખેતી કરી રહ્યા હતા.