ભરૂચ : વાલિયા સ્થિત કમળા માતાજી તળાવ પાસે મહારાણા પ્રતાપની ભવ્યાતિભવ્ય પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. જેમ મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
મહારાણા પ્રતાપની ભવ્ય પ્રતિમા : મહારાણા પ્રતાપ સ્મારક સમિતિ વાલિયા દ્વારા આ ઐતિહાસિક અને વીરતાના પ્રતીક એવા મહારાણા પ્રતાપની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવાનો નિર્ણય અગાઉથી લેવામાં આવ્યો હતો. આ યોજના અનુસાર રાજસ્થાનથી લાવવામાં આવેલી 12 ફૂટ ઊંચી અને આશરે 3100 કિલોગ્રામ વજનની પ્રતિમા વાલિયા ખાતે પહોંચી હતી. આ પ્રતિમાની કિંમત આશરે રૂ. 18 લાખ દર્શાવવામાં આવી છે.
રાજસ્થાનથી પ્રતિમાનું આગમન : પ્રતિમાના આગમન સમયે વાલિયા તાલુકા રાજપૂત સમાજ દ્વારા નલધરી મહાદેવ મંદિરે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં નલધરી મંદિરમાંથી પ્રતિમાનું યાત્રારૂપે આગમન આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન પ્રતિમાને શહેરના વિવિધ વિસ્તારોમાં ફેરવીને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવ્યો હતો.
કમળા માતાજીના તળાવ પાસે સ્થાપના : યાત્રામાં રાજપૂત સમાજના અગ્રણીઓ, યુવાનો અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો જોડાયા હતા. યાત્રા અંતે પ્રતિમાને નિર્ધારિત સ્થળ એટલે કે કમળા માતાજીના તળાવ પાસે સ્થાપિત કરવામાં આવી હતી. હાલના તબક્કે પ્રતિમાની આસપાસના વિસ્તારનું વિકાસ કાર્ય અને અન્ય બાકી રહેલી કામગીરી ચાલી રહી છે.
મહારાણા પ્રતાપના શૌર્યને યાદ કર્યું : આ કામગીરી પૂર્ણ થયા બાદ પ્રતિમાનું લોકાર્પણ કરવા માટે વિશાળ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પ્રસંગે ધવલસિંહ ખેર, સિદ્ધરાજસિંહ કોસાડા સહિત રાજપૂત સમાજના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મહારાણા પ્રતાપના શૌર્ય, બલિદાન અને દેશપ્રેમને સ્મરી તેમના વિચારો વ્યક્ત કર્યા હતા.