માધવપુર/પોરબંદર: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પાંચ દિવસ ચાલનારા અને માધવપુર ખાતે આયોજિત થયેલા કૃષ્ણ-રુક્ષ્મણી વિવાહના સાક્ષી રૂપી માધવપુરના મેળાને ખુલ્લો મુક્યો છે.
પાંચ દિવસ સુધી પૂર્વ અને પશ્ચિમ ભારતની સંસ્કૃતિ ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણી ના લગ્નના વિવાહની સાક્ષી બનવાની સાથે ભારતના બે ભાગની પરંપરા લોકસંસ્કૃતિ અને ધાર્મિક વિધિથી પરિચિત થશે, તેવા આત્મવિશ્વાસ સાથે લોકમેળાને ખુલ્લો મુકાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહીને ગર્ભની સાથે સંસ્કૃતિ અને પરંપરાને ફરી એક વખત નજર સમક્ષ નિહાળી હતી.
પાંચ દિવસીય માધવપુરના મેળાનો પ્રારંભ
માધવપુરના આંગણે ચૈત્રી નોમથી ચૈત્રી તેરસ સુધી પાંચ દિવસ ચાલનારા લોકમેળાને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ખુલ્લો મૂકીને ભારતની પ્રાચીનતમ સંસ્કૃતિ પરંપરા અને ધર્મના ત્રિવેણી સંગમ રૂપે આયોજિત થતા આ મેળાને ભારતની સંસ્કૃતિ સાથે જોડીને અહીં ઉપસ્થિત સૌ કોઈને ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીના વિવાહ પ્રસંગની અનેક શુભકામનાઓ પાઠવી હતી.

પૂર્વ અને પશ્ચિમ ભારતની સંસ્કૃતિ સૌરાષ્ટ્રના ઘેડ વિસ્તારમાં જ્યારે એકમેકમા લીન થતી હોય તેવા ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહના પ્રસંગને સદીઓ પછી પોતાની નજર સમક્ષ નિહાળવાની જે તક પ્રાપ્ત થઈ છે, તેને સદભાગ્ય સાથે ગણાવીને ભારતની ધાર્મિક પારંપરિક અને સાંસ્કૃતિક લોક ધરોહરને આ પ્રકારના ભાતીગળ લોકમેળા થકી આગળ વધારી શકાય અને તે ભારતના ભવ્યતમ ઇતિહાસનો એક ભાગ છે, તે નવી પેઢીના લોકો જાણી શકે તે માટે ખાસ મેળાનું આયોજન થતું આવે છે, વર્ષ 2018થી માધવપુરના મેળાને ન માત્ર સ્થાનિક ઘેડ સૌરાષ્ટ્રની સાથે ગુજરાતનો નહીં પરંતુ મેળો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પણ બની રહ્યો છે, જે માધવપુરના મેળાની એક વિશેષ ઓળખ ઉભી કરે છે.

પૂર્વ અને પશ્ચિમ ભારતનુ સમન્વય
માધવપુરના મેળાને પૂર્વ અને પશ્ચિમ ભારતની લોકસંસ્કૃતિ અને પરંપરા અને ધર્મ સાથે જોડાયેલી વિધિઓના ભાગરૂપે પણ ઉજવવાની એક વિશેષ પરંપરા છે. આ મેળામાં ઉત્તર પૂર્વ માંથી આવેલા દેશના સર્વોત્તમ કલાકારો દ્વારા જે તે રાજ્યની કલાકૃતિ પણ પ્રસ્તુત કરવામાં આવનાર છે. સોમનાથ, માધવપુર, પોરબંદર અને દ્વારકા આ દરિયાઈ પટ્ટી ધર્મની સાથે પરંપરા અને લોક ઉત્સવોના ડેસ્ટિનેશન તરીકે પણ પ્રસ્થાપિત થાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

6 એપ્રિલથી 10મી એપ્રિલ સુધી આયોજિત થયેલા આ મેળામાં લોકસંસ્કૃતિની સાથે સ્થાનિક કલા વારસો અને વિવિધ કારીગરોને પ્રોત્સાહન મળે તે માટે હસ્તકલાના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ઉત્તર પૂર્વના રાજ્યોમાં ખૂબ જ પ્રચલિત અને જેનો વ્યાપ સમગ્ર વિશ્વમાં છે તેવી ચીજ વસ્તુઓના વેચાણની સાથે નવ રાજ્યોના 160 હસ્ત કલાકારો દ્વારા સ્ટોલ લગાવવામાં આવ્યા છે. વધુમાં આ મેળાને સમગ્ર ઉત્તર પૂર્વના રાજ્યોમાં બનતી વિવિધ વાનગીઓનો સ્વાદ પણ મેળામાં આવેલ પ્રત્યેક વ્યક્તિ માણી શકે તે માટે ખાસ ફૂડ કોર્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જે માધવપુરના મેળાનુ વિશેષ આકર્ષણ પણ બની રહે છે.