નવસારી: શહેરના મફતલાલ તળાવ પાસે એક દુ:ખદ ઘટના બની હતી. 12 વર્ષીય ભૌતિક પંકજ ગોસ્વામી નામના બાળકનું તળાવમાં ડૂબવાથી મોત થયું. ઘટના ગુરુવાર સાંજે 7થી 8 વાગ્યા વચ્ચે બની, જ્યારે ભૌતિક પોતાના મિત્રો સાથે તળાવની નજીક ક્રિકેટ રમવા ગયો હતો. બધા મિત્રો ઘરે પરત ફર્યા બાદ પણ ભૌતિક ન આવતા પરિવારજનોએ ચિંતા વ્યક્ત કરી અને શોધખોળ શરૂ કરી. શોધ દરમિયાન તળાવના પાણી પાસે ભૌતિકની ચપ્પલ મળી આવતા અનિષ્ઠ સંકેત મળ્યો. તાત્કાલિક ફાયર બ્રિગેડ અને જલાલપુર પોલીસને જાણ કરવામાં આવી. રાત્રે અંદાજે 1:30 વાગ્યે ફાયર બ્રિગેડની ટીમે ભૌતિકનું મૃતદેહ બહાર કાઢ્યું.
આ દુર્ઘટનાથી પરિવારજનો અને સ્થાનિકોમાં ઉદ્વેગ ફેલાયો છે. ભૌતિકની માતા જયશ્રીબેન ગોસ્વામી અને અન્ય રહેવાસીઓએ તળાવના બ્યુટીફિકેશન કામને અટકાવી દીધું અને તળાવની આસપાસ સુરક્ષા વ્યવસ્થા કરવાની માંગણી ઉઠાવી. તેમની માંગ છે કે તળાવની લાઇટિંગ અને સિક્યુરિટી ગાર્ડની કાયમી વ્યવસ્થા કરવામાં આવે જેથી આવી દુર્ઘટનાઓ પુનરાવર્તિત ન થાય.

જલાલપુર પોલીસ સ્ટેશનના PI દેવરાજ લાડુમોરે ઘટનાસ્થળ પર પહોંચી લોકોને સમજાવી અને શાંતિ પુન:સ્થાપિત કરી હતી. સ્થાનિકોએ હવે તંત્ર પાસેથી તળાવની સુરક્ષા વધારવાની અપેક્ષા રાખી છે.
આ પણ વાંચો: